રાજકોટમાં વેપારીને હથિયારનો ઘા ઝીંકી 4.50 લાખની ચાંદીની લૂંટ

રાજકોટમાં વેપારીને હથિયારનો ઘા ઝીંકી 4.50 લાખની ચાંદીની લૂંટ
મોરબી રોડ ઓવરબ્રીજ નીચેથી નીકળતા વેપારીને એક શખસે આંતર્યા બાદ બીજા શખસે માથામાં
ખૂની હુમલો કર્યો
રાજકોટ, તા.18 : પેડક રોડ પરના વિસ્તારમાં રહેતા અને ચાંદીના દાગીના બનાવવાનું કામકાજ કરતો પટેલ વેપારી યુવાન મોરબી રોડ પરના ઓવર બ્રીજ નીચેથી પસાર થતો હતો ત્યારે બે લુટારુઓએ માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી રૂ.4.પ0 લાખની કિંમતની ચાંદીની લૂંટ ચલાવી નાસી છુટયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. પોલીસે લુટારુઓના વર્ણન  અને સીસીટીવી ફુટેજના આધારે બંને લુટારુઓની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પેડક રોડ પરની લાખેશ્વર સોસાયટીમાં અરજણભાઈ ખોયાણીના મકાનમાં ભાડે રહેતો મયુર દિનેશભાઈ પોકર નામનો પટેલ યુવાન ગત રાત્રીના મોરબી રોડ પરના ઓવરબ્રીજ નીચેથી પસાર થતો હતો ત્યારે બે લુટારુઓએ માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી રૂ.4.પ0 લાખની કિંમતના ચાંદીના સાંકળા ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા અને ઘવાયેલા મયુર પોકરને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હાથ ધરેલી તપાસમાં ઈજાગ્રસ્ત મયુર પોકર ગત રાત્રીના નવ કિલો ચાંદીનો કાચો માલ ચાંદીના સાંકળાના પેકેટ તથા બીજો માલ જેમાં 8 કિલો સાંકળા હતા. તે બાઈકમાં લઈને મોરબી રોડ પર નાની ફાટક પાસે રાજલક્ષ્મી સોસાયટી પાસેના ઓમ પાર્કમાં રહેતા કિરણબેન અશ્વિન ગઢીયાને કામ આપવા ગયો હતો અને નવ કિલો સાંકળા કિરણબેનને આપ્યા હતા. અગાઉ કિરણબેનને તા.16મીએ ઘુઘરી ફીટ કરવા આપેલ તેર કિલો સાંકળા આપ્યા હતા. તે તૈયાર થઈ ગયા હોય બે પેકેટ લઈ લીધા હતા અને મોરબી રોડ ઓવરબ્રીજ સામે પંચવટી સોસાયટીમાં શોભનાબેનને ચાંદીનો માલ આપવા માટે નીકળ્યો હતો.
દરમિયાન સીતારામ સોસાયટી સામે પહોંચતા જ કાચા રોડપર એક શખસ રોડની વચ્ચો વચ્ચ ઉભો હતો અને મયુર પોકરે બાઈક ઉભું રાખ્યું હતું. દરમિયાન બીજો શખસ ધસી આવ્યો હતો અને મયુરના માથામાં તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી દીધા બાદ ચાંદી ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા અને તાકીદે બાજુમાં રહેતી ફઈની દીકરી હેતલબેન પરસાણાને ફોન કરી જાણ કરી હતી અને બનેવી મનસુખ તથા તેનો મિત્ર દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે મયુર પોકરની ફરિયાદ પરથી રૂ.4.પ0 લાખની સાડા પંદર કિલો ચાંદીની લૂંટ ચલાવીને નાસી છુટેલા બે અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. લુટારુઓએ અગાઉ રેકી કરી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે તેમજ મોરબી રોડ પરના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે પણ લુટારુઓની ઓળખ મેળવવા પોલીસે દોડધામ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer