તો ફરી થશે એરસ્ટ્રાઇક જેવી કાર્યવાહી

તો ફરી થશે એરસ્ટ્રાઇક જેવી કાર્યવાહી
રક્ષા મંત્રાલયના વાર્ષિક રીપોર્ટમાં આતંક મુદ્દે પાક.ને સ્પષ્ટ ચેતવણી
નવી દિલ્હી, તા. 18: રક્ષા મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી સંગઠનો ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે આકરાં અને નિર્ણાયક પગલાં લેવાનું યથાવત્ રાખશે. રક્ષા મંત્રાલયના વાર્ષિક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  પુલવામા હુમલાથી સાબિત થાય છે કે ભારત સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના નિશાને છે.
રક્ષા મંત્રાલયના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં સરહદ ઉપર ગોળીબારની આડશમાં સતત આતંકવાદીઓને ભારતમાં ઘૂસવા માટે પ્રોત્સાહિત કરે છે તેમજ ભારતીય સુરક્ષા દળો તેનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં કરેલા હુમલાથી સાબિત થાય છે કે પાકિસ્તાન પ્રાયોજિત સીમાપાર આતંકવાદની નીતિનું ભારત ટાર્ગેટ બની રહ્યું છે.  રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન વૈશ્વિક રીતે આતંકી ઘોષિત થયેલાં સંગઠનો ઉપર કાર્યવાહી કરવાથી બચતું રહે છે. આવાં સંગઠનો પાડોસી દેશોને નિશાન બનાવી રહ્યા છે. ચીન મામલે રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષની તુલનામાં ચીની સેનાની ઘૂસણખોરી અને તનાવની ઘટનામાં ઘટાડો થયો છે.
-----------
કાશ્મીર સરહદેથી આતંકીઓ ઘૂસાડવાના પાકના પ્રયાસ
નવી દિલ્હી, તા. 18: ગુપ્તચર એજન્સીઓના તાજા અહેવાલોમાં એવી ચેતવણી અપાઈ છે કે પાકસ્થિત આતંકીઓ બેઉ દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમાએ આવેલા રસ્તાનો ઉપયોગ કરીને જમ્મુ પ્રદેશને નિશાન બનાવવાની પેરવીઓ કરી રહ્યા છે. ગુપ્તચર બાતમીઓના આધારે સરકારે સીમા સુરક્ષા દળને સીમાકીય વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવવા અને સીમાડે  કડકપણે સતર્ક રહેવા તાકીદ કરી છે.
બીએસએફ ઉપરાંત અન્ય એજન્સીઓ અને દળોને ય, ભારતીય હદમાં ઘૂસવા આતંકીઓ પાક સાથેની સરહદે કયા લોન્ચ પેડનો ઉપયોગ કરી રહ્યા છે તેની તપાસ કરવા અને ખોળી કાઢવા જણાવાયું છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer