બિહાર, ઉત્તર પ્રદેશ, આસામમાં પૂરથી 109 મૃત્યુ

બિહાર, ઉત્તર પ્રદેશ, આસામમાં પૂરથી 109 મૃત્યુ
લાખો લોકો બેઘર અને બેહાલ: નેપાળમાંથી પાણી છોડાતાં  પરેશાની : અનેક જિલ્લા એલર્ટ
પટણા/લખનૌ/ગૌહાતી, તા. 18 : ભારે વરસાદનાં કારણે દેશના અનેક ભાગોમાં લોકો પરેશાન છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને આસામની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. પૂરપ્રકોપથી પારાવાર તારાજી વેઠનાર આ ત્રયેણ રાજ્યમાં અત્યાર સુધી 109 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
બિહારમાં 12 જિલ્લામાં પૂરથી 67 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે તો 46 લાખ 83 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશમાં સ્થાનિકે લગાતાર વરસાદ અને નેપાળમાંથી આવતાં પૂરના પાણીથી નદીઓ ખતરાની સપાટી વટાવી રહી છે અને 14 મોત થઈ ગયાં છે.
આસામ રાજ્યમાં 29 જિલ્લામાં પૂરપ્રકોપથી ભારે વિનાશકારી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી 28 જણનાં મોત થઈ ચૂક્યાં છે, તો 57 લાખ લોકો બેહદ કપરી સ્થિતિમાં મુકાઈ ગયા છે.  નેપાળે વાલ્મીકિ બૈરાજથી 1.94 લાખ ક્યૂસેક પાણી છોડીને વધુ એક વાર પૂર્વાંચલને ખતરામાં નાખી દીધું છે.
નેપાળે પાણી છોડતાં જ પૂર્વાંચલના આઠ જિલ્લાને એલર્ટ કરી દેવાયા છે. મહારાજગંજ, ગોરખપુર, સિદ્ધાર્થનગર, બહરાઈચ, બલરામપુર, શ્રાવસ્તી, ખીરી, પીલીભીંતમાં એલર્ટ જારી કરાયા છે.  બિહાર, ઉત્તરપ્રદેશ તેમજ આસામ ત્રણેય રાજ્યમાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી જારી છે.
--------
બિહારમાં લોકો પૂરથી ત્રસ્ત: ફિલ્મ જોઇને ઘેરાયા સુશીલ
બિહાર સરકારે ફિલ્મ ‘સુપર-30’ને કરમુકત કરાયા બાદ અભિનેતા ઋત્વિક રોશન સાથે મુલાકાત કરીને આ ફિલ્મ જોવા બદલ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી ઘેરાઇ ગયા છે.
રાજ્યમાં મુખ્ય વિપક્ષ રાજદે સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, કોઇ શબ્દ જ નથી. બિહારમાં પૂર પ્રકોપથી લોકો બેહાલ છે ત્યારે સુશીલ કુમારની સાથે મંત્રીમંડળે ફિલ્મ જોઇ. બેશરમી કહેવાય. મંત્રી એવું કહી રહ્યા હતા કે, પૂર આવ્યું, તો શું ખાવું-પીવું ફિલ્મો જોવાનું છોડી દઇએ ? કેટલી બેશરમ વાત કહેવાય,  તેવું રાજદે ટ્વિટ કર્યું હતું.
-------
કાજીરંગામાં પાણી ભરાતા મકાનમાં ઘૂસ્યો વાઘ
આસામમાં પુર પ્રકોપના કારણે કાજીરંગામાં પાણી ફરી વળ્યું છે. જેના કારણે વન્યજીવો આસપાસના વિસ્તારમાં પહોંચી ગયા હોવાથી વનવિભાગને દોડાદોડી થઇ રહી છે. કાજીરંગા સ્થિત હરમતિ વિસ્તારના એક મકાનમાં પથારી ઉપર વાઘને આરામ કરતો જોતા જ લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઘરમાં વાઘને જોઈને તે ઘરમાં રહેતા લોકો થોડે દૂર નાસી છૂટયા હતા અને અફરાતફરી વચ્ચે વનવિભાગને ફોન કર્યો હતો. બીજી તરફ અમુક લોકોએ હળવેકથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી વાઘ બહાર નીકળી શક્યો નહોતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer