પસંદગી સમિતિની આજે મળનારી બેઠક મોકૂફ

પસંદગી સમિતિની આજે મળનારી બેઠક મોકૂફ
 વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમ હવે બે દી’ પછી જાહેર થશે: ઇઈઈઈંનો અચાનક નિર્ણય
મુંબઇ, તા.18 : વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની શુક્રવારે થનારી ટીમ ઇન્ડિયાની પસંદગી અચાનક જ ટાળી દેવામાં આવી છે. ગુરૂવારે મોડી સાંજે ખબર આવી હતી કે હવે આવતીકાલ તા. 19મીએ ભારતીય ટીમની પસંદગી થશે. બેઠક શું કામ મોકૂફ રાખવામાં આવી તેનું ચોકકસ કારણ બહાર આવ્યું નથી, પણ એવા રિપોર્ટ છે કે આજે ગુરૂવારે સુકાની કોહલી અને ધોની ઇંગ્લેન્ડથી સ્વદેશ પરત ફર્યાં છે. તેમની સાથે વાતચીત કર્યાં બાદ તા. 20  અથવા 21મીએ પસંદગી સમિતિની બેઠક મળશે. પસંદગીકારો ધોની સાથે ચર્ચા કર્યાં બાદ તેના ભવિષ્ય પર નિર્ણય લેવા માંગે છે. જયારે કોહલીને ઉપલબ્ધા વિશે ટીમની પસંદગી મામલે ચર્ચા થઇ શકે છે.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમની એમએસકે પ્રસાદના અધ્યક્ષતાવાળી સમિતિ પસંદગી કરશે ત્યારે કેપ્ટન વિરાટ કોહલીની ઉપલબ્ધતા અને એમએસ ધોનીના ભવિષ્ય પર બધાની નજર રહેશે.  38 વર્ષીય ધોની હવે બેસ્ટ ફિનિશર નથી રહયો. તેણે વર્લ્ડ કપની સમાપ્તિ બાદ સંન્યાસ વિશે કાંઇ કહયું નથી, પણ અટકળોનો દોર સતત ચાલી રહયો છે.
ટીમ ઇન્ડિયાને તા.3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ત્રણ-ત્રણ મેચ ટી-20 અને વન ડેના રમવાના છે. બે ટેસ્ટની શ્રેણી પણ રમાશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખીને પસંદગીકારો રીષભ પંતને મોકો આપી શકે છે.
સુકાની વિરાટ કોહલીની ઉપલબ્ધીનો મુદો પણ મહત્વનો બની રહેશે. પહેલા એવી ખબર આવી હતી કે કોહલીને વિશ્રામ મળશે, પણ હવે એવું જાણવા મળે છે કે ખુદ કોહલીને વેસ્ટ ઇન્ડિઝમાં ફકત ટેસ્ટ શ્રેણી જ નહીં લીમીટેડ ઓવર્સની સિરિઝમાં પણ ભાગ લેવાની ઇચ્છા દર્શાવી છે. જો કોહલીને વિશ્રામ મળશે તો રોહિત શર્મા ટી-20 અને વન ડેનો કપ્તાન બનશે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહના વિશ્રામ પર પસંદગીકારો નિર્ણય લેશે. મીડલઓર્ડરમાં મનીષ પાંડે અને શ્રેયસ અય્યરની વાપસી લગભગ થશે. વર્લ્ડ કપમાં વિજય શંકરના સ્થાને સામેલ થયેલ મયંક અગ્રવાલ પણ પસંદ થઇ શકે છે. દિનેશ કાર્તિક અને કેદાર જાધવને પડતા મુકવામાં આવશે. આ બન્ને વિશ્વ કપમાં નિષ્ફળ રહયા હતા.
----------
પસંદગી સમિતિની બેઠકમાં ઇઈઈઈંના સેક્રેટરીને નો એન્ટ્રી
સંચાલન સમિતિનો નિર્ણય
નવી દિલ્હી, તા.18 : બીસીસીઆઇના કામકાજ દેખરેખ રાખી રહેલ સુપ્રીમ કોર્ટ રચિત સંચાલન સમિતિ (સીઓએ) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે અનુસાર બીસીસીઆઇનો કોઇ અધિકારી કે સીઇઓ ક્રિકેટ સમિતિની કોઇ બેઠકમાં ભાગ લઇ શકશે નહીં. આથી હવે પસંદગી સમિતિની બેઠકમાં બોર્ડના સેક્રેટરી હાજર રહી શકશે નહીં.
પસંદગી સમિતિના અધ્યક્ષ જ બેઠકનું સંચાલન કરશે. નિર્ણયમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે સેક્રેટરી કોઇપણ પ્રકારની પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લઇ શકશે નહીં. ટીમ પસંદગીના વિકલ્પ માટે તેમની મંજૂરીની પણ જરૂર રહેશે નહીં.  બીસીસીઆઇના જૂના સંવિધાન અનુસાર પસંદગી સમિતિ સેક્રેટરીના કાર્યક્ષેત્રમાં આવતી હતી પણ હવે સીઓએના આ ફેંસલાથી સેક્રેટરીના અધિકાર સીમિત થઇ ગયા છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer