ASI - HCએ હથિયાર જમા કરાવવા પડશે

ASI - HCએ હથિયાર જમા કરાવવા પડશે
સર્વિસ રિવોલ્વરથી થયેલા આપઘાતના બનાવ બાદ તબેલાને તાળા મારવાનો નિર્ણય: અગાઉ ફોજદારે પત્નીની ગોળી મારી હત્યા કરી’તી
રાજકોટ, તા. 11: પ્રેમી પોલીસ યુગલના અપમૃત્યુના બનાવમાં મૃતક મહિલા એએસઆઇની સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ થયાનું ખુલ્યા બાદ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો હથિયાર જમા કરાવવાનો નિર્ણય લેવાયો છે.
મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને પોલીસમેન રવિરાજસિંહ જાડેજાના અપમૃત્યુના બનાવ બાદ સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ગોળીબાર કરાયાનું ખુલ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસ કમિશનરે તાકીદે એક આદેશ આપ્યો હતો કે, સર્વિસ રિવોલ્વર સાથે ફરજ બજાવતા એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલે તેની ફરજ પૂર્ણ થયા બાદ તેની પાસેની સર્વિસ રિવોલ્વર ફરજ પરના પોલીસ સ્ટેશન અધિકારી પાસે જમા કરાવવાની રહેશે. આ હથિયાર જમા કરાયા બાદ તેના પછી ફરજ પર આવનારને સર્વિસ રિવોલ્વર આપવાની રહેશે. આ હથિયાર જમા કરવાની કાર્યવાહી પીએસઓએ કરવાની રહેશે.
પ્રેમી પોલીસ યુગલના અપમૃત્યુના બનાવની ચર્ચા શહેરભરમાં ચાલી રહી છે  ત્યારે પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ અને પોલીસમેન વચ્ચે વિવાદ થયાના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે. કોઠારિયા રોડ પરના ભકિતનગર પોલીસમથકમાં મહિલા પોલીસ અને પોલીસ જમાદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં બન્નેની બદલી કરી નાખવામાં આવી હતી. આ જ રીતે માલવિયાનગરમાં મહિલા પોલીસ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે  પણ વિવાદ થયો હતો.  પોલીસ અધિકારીઓની દરમિયાનગીરીના કારણે પોલીસ મથકના મામલામાં ઘીના ઠામમાં ઘી પડી જાય છે. પોલીસ અધિકારીએ સર્વિસ રિવોલ્વરથી તેની પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો પણ રાજકોટ શહેરમાં બન્યો છે. છ વર્ષ પહેલા બી ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હિરેનસિંહ પરમારે તેની સર્વિસ રિવોલ્વરમાં ગોળીબાર કરીને તેની પત્ની રશ્મી/રસીલાની હત્યા કરી હતી. આ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અને રાજમોતી ઓઇલ મીલના અમદાવાદના મેનેજર હત્યાના ગુનામાં વિવાદમાં સપડાયેલા એમ.સી.મારૂ નામના પીએસઆઇએ ઉપલેટાની યુવતીના કારણે આત્મહત્યા કરી લીધી હતી. બી ડિવીઝન પોલીસ મથકના પીઆઇ પર ગોળીબાર થયાનો કિસ્સો પણ નોંધાયો હતો. પીઆઇના રોજબરોજ ત્રાસથી ગળે આવી ગયેલા જમાદારે ગોળીબાર કર્યો હતો.  શહેરમાં પોલીસમેનની હત્યા થયાના કિસ્સા પણ બન્યા છે. તો પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળીબાર કરીને એન્કાઉન્ટર કર્યાના  બનાવો પણ પોલીસ ચોપડે નોંધાયા છે.
ઓછી ફરજ સામે વાંધો
મહિલા પોલીસને ઓછી ફરજ સોંપવા સામે પોલીસમેન વગેરે દ્વારા વાંધો લેવામાં આવે છે અને એવું કારણ આપવામાં આવે છે કે, અમારા જેવો જ હોદ્દો  ધરાવે અને સત્તા ધરાવે છે અને એકસરખો જ પગાર મળે છે તો ઓછી ડયુટી શા માટે આપવામાં આવે.
ઘી અને આગ સાથે 
પોલીસ દળમાં 30 ટકા મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેના કારણે હવે પોલીસ દળ મહિલાઓની સંખ્યા વધારે જોવા મળે છે. રાજકોટ સહિતના શહેરોમાં રાતના સમયે પણ મહિલા પોલીસને ફરજ સોંપવામાં આવે છે. પીએસઆઇ, એએસઆઇથી નીચી  કેડરમાં આવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાતના સમયે પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) સાથે નોકરી પર રાખવામાં આવે છે. રાતના સમયે પોલીસ મથકમાં પોલીસની  ઓછી સંખ્યા હોય છે. ઇન્વેસ્ટીગેશન સ્ટાફ તેના રૂમમાં હોય જયારે પીએસઓ સાથે મહિલા પોલીસ ફરજમાં હોય છે. આ રીતે ઘી અને આગ પાસે પાસે હોવાથી અઘટિત ઘટના બનવાની શકયતા વધી જાય છે.
મહિલા પોલીસની મુશ્કેલી
રાતના સમયે જામીન ન આપી શકાય તેવા ગંભીર  ગુનાઓમાં પુરૂષોને પકડવામાં આવે છે. તેને પોલીસ મથકના લોકઅપ રૂમમાં રાખવામાં આવે છે. ઘણી વખત પીએસઓ તરીકે મહિલા હોવાથી એ પુરૂષને લઘુશંકા માટે લોકઅપમાંથી લઈ જવામાં મુશ્કેલી પડે છે. મહિલા સાથે પેટ્રોલીંગમાં મહિલા જ હોય છે  ત્યારે ગુનેગારો પકડવામાં પણ મુશ્કેલી પડે છે.
છાત્રા અને પોલીસ માટે અલગ કાયદો
નિર્ભયા રેપ કેસ બાદ સરકારે વિદ્યાર્થિનીઓને રાતના આઠ વાગ્યા પછી ટયુશન કે સ્કૂલમાં બોલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ લોકોના જાન માલ રક્ષણ માટે પોલીસમાં જોડાનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ પાસે વધીને લાકડી સિવાય કોઇ હથિયાર ન હોય રાતના તેની સલામતિ માટે કોઇ જોગવાઇ કરાતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer