નવી કલેકટર કચેરીમાં બન્યો ઈકો-ફ્રેન્ડલી વર્ટિકલ ગાર્ડન

નવી કલેકટર કચેરીમાં બન્યો ઈકો-ફ્રેન્ડલી વર્ટિકલ ગાર્ડન
વૃક્ષારોપણથી કચેરીની અંદર પાંચ ડીગ્રી તાપમાનમાં થશે ઘટાડો : વરસાદી પાણી રિચાર્જની વ્યવસ્થા ઉભી કરાશે
રાજકોટ, તા.11 : રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં વરસાદી પાણીના રિચાર્જ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતરે તે માટે અત્યારે કલેકટર કચેરી બિલ્ડિંગની બન્ને તરફ દીવાલોમાં વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. નવી કલેકટર કચેરીની ચોતરફ આવેલા વિશાળ ગ્રાઉન્ડનો પુરેપુરો ઉપયોગ થાય અને પર્યાવરણની દિશામાં કામ થાય તે માટે આગામી દિવસોમાં મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા કલેક્ટરે
જણાવ્યું હતું.
રાજકોટમાં સારા વરસાદની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં કાળી માટીના ટ્રક ઉતારી દેવાયા છે. આ પૂર્વ તૈયારી પર્યાવરણના સુધારા માટે અને ઉપયોગી વૃક્ષોના વાવેતર માટે કરવામાં આવી હોવાની કલેક્ટરે જણાવ્યું હતુ. આ માટે અલગ-અલગ 70 પ્રકારના વૃક્ષો નકકી કરાયા છે અને વન વિભાગ પાસેથી રોપા લેવામાં આવશે અને તે પેટે કોઈ પ્રકારનો ખર્ચ થવાનો નથી. આ અંગે અધિક નિવાસી કલેક્ટરે જણાવ્યું હતુ કે, વર્ટીકલ ગાર્ડનથી કલેક્ટર કચેરીની અંદરના ભાગમાં તાપમાનમાં પાંચ ડીગ્રી જેટલો ઘટાડો થશે.
જૂની કલેકટર કચેરીમાં પાણી અને મહિલા શૌચાલયની સુવિધાનો અભાવ
રાજકોટની જૂની કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારોની કચેરીઓ આવેલી છે. આ તમામ ઓફિસમાં મહિલા શૌચાલય અલગથી બનાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં નકામો માલ-સામાન રાખી દેવાયો હોવાથી ટોઈલેટ બ્લોકનો ઉપયોગ મહિલા કર્મચારીઓ કે અરજદારો કરી શકતા નથી. મહિલા ટોઈલેટમાંથી આ પ્રકારની તમામ ચીજવસ્તુઓ દૂર કરવાની સૂચના કલેકટરે પ્રાંત અધિકારીઓને આપી છે. આ ઉપરાંત જૂની કલેકટર કચેરીમાં કર્મચારીઓ કે અરજદારો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. નવા આર.ઓ. પ્લાન્ટ ફિટ કરવા અને હયાત પ્લાન્ટને ચાલુ કરવા માટેની કામગીરી માટે પણ આદેશ કરાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer