પૂર્વ પતિની હત્યા કરવા અંગે પકડાયેલ મહિલા અને તેના બે પ્રેમી ચાર દી’ના રિમાન્ડ પર

પૂર્વ પતિની હત્યા કરવા અંગે પકડાયેલ મહિલા અને તેના બે પ્રેમી ચાર દી’ના રિમાન્ડ પર
રાજકોટ, તા. 11: નવાગામના આવાસ યોજનાના કવાર્ટરમાં જામનગરના દિલીપભાઇ હમીરભાઇ પરમાર નામના ટ્રક  ડ્રાઇવરની હત્યા કરવા અંગે પકડાયેલ તેની પૂર્વ પત્ની  કુસુમ ઉર્ફે માનુ ઉર્ફે હંસા શામજીભાઇ ગોહેલ અને તેના બે પ્રેમી જશા દેવજીભાઇ મેણિયા અને કાલાવડના દરજી સુરેશ વિઠ્ઠલભાઇ ટંકારિયાને ચાર દિવસના રિમાન્ડ પર મેળવીને  પોલીસે સાંયોગિક પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.
ત્રણ દિવસ પહેલા તા. 8મીએ સાંજના નવાગામના આવાસ યોજનાના કવાર્ટરમાંથી દિલીપભાઇ પરમારની હત્યા કરાયેલા અને કોહવાયેલી લાશ મળી આવી હતી. છરીના ઘા મારીને હત્યા કરાયાનું ખુલ્યું હતું. આ હત્યામાં કવાર્ટર માલિક કાલાવડનો સુરેશ દરજી સંડોવાયાની શંકાના આધારે તેની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી હતી. પીઆઇ રાવલ અને તેના મદદનીશોની તપાસમાં મૃતકે  તેની પત્ની કુસુમ ઉર્ફે માનુને માર્ચ માસમાં છુટાછેડા આપી દીધા હતા. આમછતાં મૃતક દિલીપ તેને હેરાન કરતો હતો. આથી કુસુમે તેના બે પ્રેમી સાયલાના જશા દેવજીભાઇ મેણિયા અને સુરેશ દરજીનો સાથ લઇને પૂર્વ પતિ દિલીપની હત્યા કરીને લાશને કવાર્ટરના સંડાસમાં મૂકીને નાસી ગયાનું ખુલ્યું હતું. આ ત્રણેયને ઝડપી લેવાયા હતાં. ત્રણેયને કોર્ટમાં રજુ કરીને ચાર દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. પોલીસે હત્યાના બનાવમાં વપરાયેલ છરી કબજે કરવા અને  સાંયોગિક પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer