નો-પાર્કિંગનો દંડ વસૂલવામાં ‘નોન્સેન્સ’ બનતું મ્યુનિ.તંત્ર

નો-પાર્કિંગનો દંડ વસૂલવામાં ‘નોન્સેન્સ’ બનતું મ્યુનિ.તંત્ર
ઇમ્પેક્ટના ઓઠા હેઠળ પાર્કિંગને વેંચી નાખનારું તંત્ર હવે શાળાએ બાળકોને તેડવા-મૂકવા આવતા વાલીઓ ઇ-મેમો ફટકારે છે !
સદાયે પ્રજાની પડખે રહેનારા શાસક-વિપક્ષના નગરસેવકો પાણીમાં બેસી ગયા કે શું ? : જનતાનો સવાલ
રાજકોટ, તા.11: પોલીસને પગલે-પગલે ચાલીને મ્યુનિ.તંત્રને પણ 24 કલાકમાં શહેરની પાર્કિંગ સમસ્યાને કાયમી ધોરણે ઉકેલી નાખવી હોય તેમ આજે શાળાએ બાળકોને તેડવા-મૂકવા આવતા વાલીઓની સામે પણ દંડનો ડંડો ઉગામતા શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. બીજી તરફ હંમેશાં પ્રજાની પડખે રહેવાનો દાવો કરનારા શાસક અને વિપક્ષના નગરસેવકો હજુ સુધી મૌન સેવીને બેસી રહેતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.
શહેરની નિર્મલા સ્કૂલનું મેદાન ખૂલ્લું કરવા માટેનો કોર્પોરેશનનો પ્રયાસ અચૂક પ્રશંસનીય હતો પરંતુ પોતાના ભૂલકાઓને શાળાએ તેડવા-મૂકવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને દંડવાની ઝુંબેશ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કમિશનર બંછાનીધિ પાનીની સૂચનાથી આજે મનપાની એસ્ટેટ, વિજિલન્સ સહિતના વિભાગની ટીમે ડ્રાઇવ ગોઠવી હતી અને ન્યુ રાજકોટમાં એસએનકે સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય, આત્મીય કોલેજ, સેન્ટમેરી, નિર્મલા, જીટી શેઠ સ્કૂલ વિસ્તારમાં ડ્રાઇવ કરીને પોતાનાં બાળકોને તેડવા આવેલા 111 ટુ-વ્હીલર ચાલકને મેમો ફટકારાયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર આત્મીય સંકુલ બહાર ફૂટપાથ પાસે લાઇનબંધ સ્કૂટર પાર્ક હતા. કોર્પોરેશને તેને જોઈને દંડ ફટકારવાની તૈયારી કરી હતી પરંતુ આ રોડ પરનો પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ સંસ્થાને જ આપવામાં આવ્યો હોવાનું જાણીને ખુદ અધિકારીઓ પણ આશ્ચયચકિત થઈ ગયા હતા. પાર્કિંગ બદલ વાર્ષિક ચાર્જ ભરે છે તેવા કાગળો સંસ્થાના અગ્રણીઓએ દેખાડતા મનપાની ટીમ ભોંઠી પડી હતી. બાદમાં કેન્દ્રીય વિદ્યાલયમાં જતા ત્યાં પાર્કિંગ માટે પાછળથી એન્ટ્રી સાથેનું મેદાન ખુલ્લું હોવાનું માલુમ પડયું હતું જેથી કેસનો આંકડો મોટો થઈ શક્યો ન હતો.
એસએનકે સ્કૂલમાં ડ્રાઇવનો પ્રચાર કરાયો હતો પરંતુ અહીં પાર્કિંગનો કોઈ જ પ્રશ્ન ન હોવાનું સ્થળ તપાસમાં માલૂમ પડયું હતું જ્યારે સેન્ટમેરી સ્કૂલ બહાર વાલીઓના અમુક અને બારોબારનાં વધુ વાહન હતાં. આથી સ્કૂલમાં સમજાવટ કરવી પડી હતી છતાં સંસ્થાએ સહકારની ખાત્રી આપી છે. મનપાએ આજની ફેઇલ જેવી કામગીરી ઢાંકવા અત્યાર સુધીના કેસનો આંકડો જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્કિંગ માટે મેદાન ખૂલે તે સારી વાત છે પરંતુ ઇમ્પેક્ટના કાયદા હેઠળ મેદાન તો ઠીક પાર્કિંગ પણ વેચી નાખનારું મ્યુનિ તંત્ર હવે નો-પાર્કિંગ બદલ દંડ કરવા નીકળતા રોષની લાગણી વધી રહી છે તેમાં પણ કમિશનરે તો ઝોન વાઇઝ કાર્યક્રમ નક્કી કરી નાખ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer