જેઠવા હત્યા કેસ: દીનુ સોલંકી સહિત 7ને આજીવન કેદ

જેઠવા હત્યા કેસ: દીનુ સોલંકી સહિત 7ને આજીવન કેદ
અમદાવાદ, તા.11: આરટીઆઇ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યાના મામલે દોષિત ઠરેલા ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત તમામ સાત દોષિતોને આજે સીબીઆઇ કોર્ટે સજાનું એલાન કરતાં આજીવન કેદની સજા ફટકારી હતી. ગત  તા.6 જુલાઇએ જેઠવા હત્યા કેસમાં ચુકાદો આપતા ન્યાયાલયે તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. દરમિયાન આજે સવારે 10-30 વાગ્યાના સુમારે તમામ દોષિતોને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે પૂર્વ સાસંદ દીનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત તમામ દોષિતોને હત્યા અને હત્યાના કાવતરા સહિતની કલમ 302-120 બી હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જ્યારે શૂટર શૈલેષ પંડયાને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે દોષિતોને આજીવન કેદની સજાની સાથે રૂા.60 લાખ 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે જ કોર્ટે આદેશ કર્યો હતો કે અમિત જેઠવાના પરિવારને વળતર પેટે રૂા.11લાખ ચૂકવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અમિત જેઠવા હત્યા કેસમાં નવ વર્ષે ચુકાદો આવ્યો હતો અને તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.
આ કેસના વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટેર મુકેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં કોર્ટે દોષિતોને રૂા.60.50 લાખનો દંડ કર્યો છે. દીનુ સોલંકીને રૂા.15 લાખ અને શિવા સોલંકીને રૂા.15 લાખનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે શુટર શૈલેષ પંડયા અને પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરને રૂા.10 - 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. સાથે શિવા પચાણને રૂા.8 લાખનો દંડ અને સંજય ચૌહાણને રૂા.1 લાખ તેમજ ઉદાજી ઠાકોરને રૂા.25,000નો દંડ કરવામાં આવ્યો છે.  અહીં નોંધવું ઘટે કે, જૂનાગઢ-ખાંભાના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઇ હતી. ત્યારે પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી દ્વારા અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હોવાનું સીબીઆઇ તપાસમાં બહાર આવ્યુ ંહતું. તા.6 સપ્ટેમ્બર, 2010ના રોજ દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની આ હત્યા માટે સોપારી આપવા બદલ ધરપકડ થઇ હતી.  કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતા. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતા. રિકોલ કરાયેલા દીનુ બોઘા સોલંકીના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતા.
આ મામલામાં ભાજપના પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકીની નબેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. બાદમાં વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલા જામીન પર છુટકારો થયો હતો. આ કેસમાં દીનુ સોલંકી અને શિવા સોલંકી ઉપરાંત શૂટર શૈલેષ પંડયા, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, અને સંજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી.  અમિત જેઠવાના પિતા ભીખાભાઇ વતી આ કેસમાં અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિક કેસ લડી રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer