સુપ્રીમે સ્પીકરને સાંજ સુધીમાં નિર્ણય કરવાં કહ્યું પણ કોઈ ફેંસલો ન થયો !

સુપ્રીમે સ્પીકરને સાંજ સુધીમાં નિર્ણય કરવાં કહ્યું પણ કોઈ ફેંસલો ન થયો !
બેંગ્લુરુ, તા.11 : કર્ણાટકમાં ચાલતી રાજકીય ઉથલપાથલ વચ્ચે સવારે સુપ્રીમકોર્ટે તાત્કાલિક નિર્ણય કરવાં આપેલા નિર્દેશ બાદ સાંજે વિધાનસભા સ્પીકર કે.આર. રમેશ કુમારે કહ્યું હતું કે, તેઓ પૂર્ણ જવાબદારી સાથે કર્તવ્ય નિર્વાહન કરી રહ્યા છે. મુંબઈથી બેંગ્લુરુ આવી પહોંચેલા કોંગ્રેસ અને જેડીએસનાં બળવાખોર વિધાયકો સાથે મુલાકાત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, ધીમી સુનાવણીનાં આરોપોથી પોતે દુ:ખી છે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ બાગી વિધાયકે તેમની પાસે મુલાકાતનો સમય માગવામાં આવ્યો ન હતો.
સ્પીકરે કહ્યું હતું કે, તેમની સામે ધીમી સુનાવણીનાં આરોપ અયોગ્ય છે અને રાજ્યપાલે સૂચના આપી તેટલો સમય પોતે ઓફિસમાં જ રહ્યા હતાં. એ વખતે પણ ધારાસભ્યો તરફથી તેમને કોઈ જાણ કરાઈ નહોતી કે તે મળવા આવી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું હતું કે, તેમનું કામ કોઈને બચાવવાનું નથી. પોતે માત્ર જનતા પ્રત્યે જવાબદેહ છે. કર્ણાટક વિધાનસભાનાં નિયમ 202 મુજબ તેમણે સોમવારે બધા જ રાજીનામા ચકાસ્યા હતાં અને તેમાંથી 8 નિર્ધારિત પ્રારુપમાં નહોતાં. જ્યારે અન્ય રાજીનામા વિશે એ પણ વિચારવાની આવશ્યકતા હતી કે તે સ્વૈચ્છિક અને વાસ્તવિક છે કે નહીં. વિધાયકો પોતાને મળ્યા નહીં અને સીધા રાજ્યપાલ પાસે દોડી ગયા તે દુરુપયોગ નથી શું? સુપ્રીમનાં દરવાજે પહોચ્યા. પરંતુ પોતે ઉતાવળે કોઈ નિર્ણય કરી ન શકે. સુપ્રીમે ફેંસલો કરવાં કહ્યું છે અને બધી જ કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવેલી જ છે જે સુપ્રીમને સોંપવામાં આવશે.
આ પહેલા આજે સવારે બનેલા દિલધડક ઘટનાક્રમોમાં સુપ્રીમ કોર્ટે નિર્ણાયક પગલું ભર્યુ હતું. સર્વોચ્ચ અદાલતે રાજ્યની વિધાનસભાનાં સ્પીકર કે.આર. રમેશકુમારને આગ્રહ કર્યો હતો કે તે કોંગ્રેસ અને જેડીએસનાં બગાવતી ધારાસભ્યો વિશે આજે જ નિર્ણય કરે. ઉપરાંત બાગી વિધાયકોને સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. કોર્ટે આ તમામ ધારાસભ્યોને નવેસરથી રાજીનામા આપવાનો આદેશ આપ્યો હતો અને તેનાં અનુસંધાને વિધાયકો મુંબઈથી બેંગ્લુરુ પહોંચી ગયા હતાં અને સાંજે સ્પીકરને મળ્યા હતાં. આજે આ મામલે સુનાવણી શરૂ થતા જ અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે તે માત્ર જે 10 વિધાયકોનો મામલો તેની સામે છે એ બાબતે જ આદેશ આપી રહી છે. અન્ય વિધાયકો માટે નહીં.
સુપ્રીમનાં આદેશને પગલે સ્પીકર કે.આર.રમેશકુમારે ધારાસભ્યોનાં રાજીનામા ઉપર નિર્ણય કરવા માટે વધુ સમય આપવા અદાલત સમક્ષ અનુરોધ કર્યો હતો. જો કે અદાલતે તેમની અરજી ઉપર તાત્કાલિક સુનાવણી નકારી દીધી હતી અને એ બાબતે આવતીકાલે સુનાવણી નિર્ધારિત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer