મધ્યસ્થતાથી ઉકેલ ન આવે તો 25મીથી સુપ્રીમમાં રોજ સુનાવણી

મધ્યસ્થતાથી ઉકેલ ન આવે તો 25મીથી સુપ્રીમમાં રોજ સુનાવણી
નવી દિલ્હી, તા. 11: સર્વોચ્ચ અદાલતે અયોધ્યા ભૂમિ વિખવાદ ઉકેલવા રચાયેલી મધ્યસ્થી પેનલને, છેલ્લામાં છેલ્લી સ્થિતિનો રિપોર્ટ તા. 18 મી સુધીમાં રજૂ કરવા અને રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની 2.77 એકર જમીનની માલિકીની તકરાર ઉકેલવી શકય છે કે કેમ તે જણાવવા અનુરોધ કર્યો છે. અદાલતે આગામી સુનાવણી માટે તા. 2પમી મુકરર કરી છે.  મામલાની પતાવટ માટે સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબની મધ્યસ્થીમાં કોઈ પ્રગતિ થઈ નથી એમ જણાવી વહેલી તકે સુનાવણી માગતી અસલ વાદીઓ પૈકીના ગોપાલસિંહ વિશારદે કરેલી અરજી બાદ ઉકત આદેશ અપાયો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) રંજન ગોગોઈના વડપણવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો મધ્યસ્થી પેનલ વિવાદ ઉકેલી શકે તેમ ન હોય તો પાંચ જજની બેન્ચ તા. 2પ જુલાઈથી રોજેરોજના ધોરણે સુનાવણી શરૂ કરશે. રિપોર્ટ પર નજર ફેરવ્યા બાદ અયોધ્યા વિવાદ પરની રોજેરોજની સુનાવણી તા. 18મીથી શરૂ કરવાનો વિધિવત આદેશ આપી દેવાશે.
અદાલતે ગઈ 8 માર્ચે અદાલતના પૂર્વ જજ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લા, શ્રી શ્રી રવિશંકર અને મદ્રાસ હાઈ કોર્ટના એડવોકેટ શ્રીરામ પાંચુની મધ્યસ્થી પેનલ રચી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer