રાજસ્થાન કોંગ્રેસમાં માહોમાહની લડાઈ: પાઈલટ સામે હવે ગેહલોત લડી લેવાનાં મૂડમાં

રાજસ્થાન કોંગ્રેસમાં માહોમાહની લડાઈ: પાઈલટ સામે હવે ગેહલોત લડી લેવાનાં મૂડમાં
જયપુર, તા.11: કોંગ્રેસ સામે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારનો આંતરવિગ્રહ છૂપો નથી પરંતુ હવે તેમાં પણ આગ વધુ ભડકવાની તૈયારી હોય તેવા એંધાણ મળી રહ્યા છે. અત્યાર સુધી એકબીજા સામે છૂપા હુમલા બોલાવી રહેલા અશોક ગેહલોત અને સચિન પાઇલટ હવે જાહેરમાં સામસામે આવી ગયા છે. પાઇલટનાં કહેવા અનુસાર જનતાએ ગેહલોતનાં નામે કોંગ્રેસને મત નથી આપ્યા. આવું જ ગેહલોત પાઇલટ માટે કહે છે.
રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે કહેવામાં આવે છે કે તેઓ જાણે છે કે ક્યારે શું બોલવું જોઈએ. બજેટ પેશ કર્યા બાદ તેમણે હવે સ્પષ્ટ કહી દીધું છે કે ઉપમુખ્યમંત્રી સચિન પાઇલટ રાજ્યનાં મુખ્યપ્રધાન બનવાનું સપનું ન જુએ. લોકોએ પોતાને મુખ્યમંત્રી બનાવવા માટે મત આપ્યા હોવાનું કહેતા ગેહલોતે આગળ ઉમેર્યું હતું કે, જે લોકો મુખ્યમંત્રી બનવાની દોડમાં પણ નહોતા એ હવે પોતાનાં નામો આગળ કરવામાં લાગી ગયા છે.
કહેવાય છે કે પાઇલટ જૂથની હિલચાલથી પરેશાન ગેહલોત હવે આરપારની લડાઈનાં મૂડમાં છે. આ સાથે જ ગેહલોતે પક્ષનાં મોવડીમંડળને પણ ઈશારો આપી દીધો છે કે રાજસ્થાનમાં પોતે જ સર્વશક્તિમાન છે. એકસાથે બે ધ્રુવ ઉપર કામ ચાલી શકશે નહીં. તો સામે પક્ષે પાઇલટનું માનવું છે કે પાંચ વર્ષની મહેનત બાદ જ્યારે મલાઈનો વખત આવ્યો ત્યારે ગેહલોત વચ્ચે ટપકી પડયા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer