પ્રેમી પોલીસ યુગલનો માથામાં ગોળી મારી આપઘાત

પ્રેમી પોલીસ યુગલનો માથામાં ગોળી મારી આપઘાત
રાજકોટ, તા. 11: રાજકોટ શહેર પોલીસમાં  પ્રેમના લોહિયાળ અંજામની ઘટના બની હતી. યુનિવર્સિટી પોલીસ મથકમાં એએસઆઇ તરીકે નોકરી કરતી  ખુશ્બુ રાજેશભાઇ કાનાબાર અને એ જ પોલીસ મથકના પરિણીત પોલીસમેન રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા નામના પ્રેમી યુગલે માથામાં ગોળીમારીને આપઘાત  કરી લીધો હતો. જો કે, પોલીસમેને મહિલા એએસઆઇના માથામાં ગોળીમાર્યા બાદ પોતાના લમણે ગોળી મારીને મૃત્યુ માગ્યાનું બહાર આવ્યું છે. આ પ્રેમી યુગલ વચ્ચે કઇ બાબતે વિવાદ થયો અને વાત હત્યા અને આત્મહત્યા સુધી પહોંચી તે પણ એક તપાસનો વિષય છે. 
નવા દોઢસો ફૂટના રીંગ રોડ પરના  કટારિયા શો રૂમ પાસે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામે ઓળખાતા આવાસ યોજનાના કવાર્ટર પૈકીના બ્લોક નં. ઇ-402માં  મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને પોલીસમેન રવિરાજસિંહ જાડેજાની લોહીથી લથપથ લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ચોથામાળના ફલેટનો દરવાજો અંદરથી બંધ હતો તે દરવાજો તોડાવીને અંદર જતાં રૂમમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં એએસઆઇ તરીકે નોકરી કરતી મૂળ જામજોઘપુરની વતની ખુશ્બુ રાજેશભાઇ કાનાબાર અને એ  જ પોલીસ મથકમાં ડી સ્ટાફમાં પોલીસમેન તરીકે ફરજ બજાવતાં રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ પાગર્યો હતો. આવાસ યોજનાના ફલેટમાં ખુશ્બુ એકલી રહેતી હતી. ત્યાં બન્ને અવારનવાર મળતા હતાં. મવડી પોલીસ હેડ કવાર્ટરમાં પરિવાર સાથે રહેતાં પોલીસપુત્ર રવિરાજસિંહ જાડેજા પરિણીત હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. ગઇરાતના નોકરીએ ગયેલા રવિરાજસિંહને વહેલી સવારે તેની પત્નીએ ફોન કર્યા હતાં. પરંતુ ફોનનો જવાબ મળતો  ન હતો. આથી તેની પત્નીએ તેના ભાઇને ફોન કરીને બનેવી રવિરાજસિંહની ભાળ મેળવવા જણાવ્યું હતું. આથી તેનો ભાઇ પ્રથમ યુનિવર્સિટી પોલીસ મથકે તપાસ કરવા ગયો હતો. ત્યાંથી તે પરત જતો હતો. ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાના કવાર્ટર પાસે તેના બનેવીએ થોડા સમય પહેલા ખરીદ કરેલી ક્રિટા કાર પાર્ક થયેલી નજરે પડી હતી. તે તપાસ કરતો ખુશ્બુ કાનાબારના કવાર્ટર સુધી પહોંચ્યો હતો. કવાર્ટર બંધ હતું. બેલ વગાડવા છતાં કોઇ જવાબ નહી મળતા પાછળની ગેલેરીમાં જઇને રૂમમાં નજર કરતા  બનેવી અને ખુશ્બુની લાશ પડી હોવાનું દેખાયું હતું. આથી પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબારના માથા પાછળ ઓશિકુ રાખીને ગોળી મારવામાં આવ્યાનું અને પોલીસમેન રવિરાજસિંહના લમણે ગોળી મારવામાં આવ્યાનું જણાયું હતું. તેના પરથી ખુશ્બુની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળીમારીને હત્યા કર્યા બાદ રવિરાજસિંહે લમણે રિવોલ્વર રાખીને ભડાકો કરીને આપઘાત કરી લીધાનું અનુમાન કરવામાં આવ્યું હતું. ખુશ્બુ કાનાબાર ગળે પડતી હતી કે તેને અન્ય કોઇ સાથે સંબંધ બંધાયો હતો? ખુશ્બુ સાથેના સંબંધના કારણે પતિ, પત્ની વચ્ચે કોઇ તકરાર ચાલતી હતી કે કેમ? આ પ્રેમી યુગલ વચ્ચે એવુ તે શું બન્યુ કે ગોળીમારીને મૃત્યુ માગવું પડયું તે એક તપાસનો વિષય છે. હાલમાં ફોરેન્સીક લેબોરેટરીના અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલે છે. ખુશ્બુની સર્વિસ રિવોલ્વર પરના ફીંગર પ્રિન્ટ મેળવવાની કાર્યવાહી ચાલે છે.
પિતા ભજિયાનો ધંધો કરે છે
મૃતક ખુશ્બુના પિતા રાજેશભાઇ કાનાબાર જામજોધપુરમાં ખુશ્બુ ભજિયા હાઉસના નામે ભજિયાનો ધંધો કરે છે. તેની પુત્રી ખુશ્બુ ત્રણ વર્ષથી પોલીસમાં નોકરી કરતી હતી અને રાજકોટમાં એકલી રહેતી હતી.
એએસઆઇ ખુશ્બુની બહેને પણ આપઘાત કર્યો’તો
પ્રેમી પોલીસ યુગલના અપમૃત્યુના બનાવમાં મૃત્યુ પામેલી જામજોધપુરની ખુશ્બુ કાનાબારની બહેન નિધિએ પણ આપઘાત કર્યો હોવાનું જણાવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer