ઉનામાં જૂની અદાવતમાં યુવાનની હત્યા

ઉનામાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
ઉના, તા. 11:  ઉના તાલુકાના નવા બંદર ગામના 35 વર્ષના રમેશ ભગવાનભાઇ સોલંકી નામના યુવાનની જૂની અદાવતના કારણે તિક્ષણ અને બોથડ પદાર્થના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના પરીસરમાં પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં અને ચકકાજામ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.
નવાબંદર તરફ જતા રસ્તા પરના રામપરા-જાખરાવાડના પ્લોટ વિસ્તારમાં એક યુવાનની લોહીથી ખરડાયેલી લાશ પડી હોવાની જાણ થતાં લોકો અને પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસની તપાસમાં લાશ નવા બંદરના 35 વર્ષના રમેશ ભગવાનભાઇ સોલંકી નામના યુવાનની હોવાનું ખુલ્યું હતું. આ યુવાનના માથા, મોઢા,ગળા અને કપાળના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતાં. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. જયાં મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં છાજિયા લઇને પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને  ચકકાજામ કરતાં વાતાવરણ તંગ બન્યુ હતું. બાદમાં પોલીસે મામલો થાળે પાડયો હતો. આ અંગે મૃતકના ભાઇ ભરતભાઇ સોલંકીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેનો ભાઇ રમેશ મચ્છીના દંગામાં મજુરી કામ કરતો હોવાનું અને તેને અગાઉ યુનુસ ઉર્ફે પઢેલી નામના શખસ સાથે માથાકૂટ થઇ હોવાનું જણાવ્યું હતું. આ માથાકૂટના કારણે યુનુસ ઉર્ફે પઢેલી અને અજાણ્યા શખસોએ તેના ભાઇને રામપરા-જાખરવાડાના પ્લોટ વિસ્તારમાં લઇ જઇને તિક્ષણ અને બોથડ પદાર્થના ઘા મારી અને ગળુ દબાવીને હત્યા કરી હોવાનો આરોપ મૂકયો હતો. નવા બંદર પોલીસ મથકે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. છએક મહિના પહેલા વાયરલ થયેલા વીડિયોમાં મૃતક યુવાને ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બનવાની અને શાદી કરવાની વાત ઉચ્ચારી હતી. આ વીડિયો અને હત્યાના બનાવને કોઈ લેવાદેવા છે કે નહીં તે એક તપાસનો વિષય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer