ઈરાની જહાજોનો બ્રિટિશ ટેન્કર રોકવાનો પ્રયાસ

ઈરાની જહાજોનો બ્રિટિશ ટેન્કર રોકવાનો પ્રયાસ
ખાડી ક્ષેત્રમાં તનાવ વધ્યો : બ્રિટિશ યુદ્ધજહાજે આપી મૌખિક ચેતવણી 
લંડન, તા. 11 : ખાડી ક્ષેત્રમાં તનાવ ઓછો થવાને બદલે સતત વધી રહ્યો છે. બ્રિટનની સરકારે ગુરૂવારે દાવો કર્યો હતો કે ઈરાનના ત્રણ યુદ્ધજહાજે ખાડીના સમુદ્રી ક્ષેત્રમાં એક બ્રિટિશ ટેન્કરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે એક બ્રિટિશ યુદ્ધજહાજને હસ્તક્ષેપ કરવો પડયો હતો. 
બ્રિટને એક નિવેદનમાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદાથી વિપરીત ત્રણ ઈરાની યુદ્ધજહાજે સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ મારફતે બ્રિટિશ હેરિટેજ નામના એક ટેન્કરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એચએમએસ મોંટ્રોસ ઈરાની જહાજ અને બ્રિટિશ હેરિટેજ વચ્ચે પડયું હતું અને ઈરાની જહાજોને મૌખિક ચેતવણી જારી કરી હતી. જેને લઈને ઈરાની જહાજ રસ્તામાંથી દૂર થયા હતા.
બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ બ્રિટનને ચેતવણી આપી હતી કે જિબ્રાલ્ટના તટ ઉપર દેશના એક તેલ ટેન્કરને કબ્જામાં લેવાની કોશિષ ઉપર બ્રિટને પરિણામ ભોગવવું પડશે. 
ટ્રમ્પની ઇરાનને
ફરી ચેતવણી
વોશિંગ્ટન, તા. 11 : ઇરાને યુરેનિયમ સંવર્ધન જારી રાખતાં અમેરિકા ઉશ્કેરાયું છે.  ડોનાલ્ડ ટ્રમ્પે સખત ચેતવણી આપતાં ઇરાનને  હજુ પણ વધુ કડક પ્રતિબંધો માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ટ્રમ્પે ઇરાન પર લાંબા સમયથી ગુપ્ત રીતે યુરેનિયમ સંવર્ધનનો  આરોપ મૂક્યો હતો. ઇરાન દ્વારા પરમાણુ સમજૂતીના ઉલ્લંઘન પર એક તાકીદની  બેઠક બાદ ટ્રમ્પે એવી ચેતવણી આપી હતી કે,  ઇરાન પર અમેરિકી પ્રતિબંધો જલ્દી વધારી દેવાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer