મકાન માલિક-ભાડૂઆતના હિતમાં લાગુ થશે નવો કાયદો

મકાન માલિક-ભાડૂઆતના હિતમાં લાગુ થશે નવો કાયદો
માલિક-ભાડૂઆતના હિતનું સંતુલિત રક્ષણ કરવાનો હેતુ : મુસદ્દો અંતિમ ચરણમાં
નવી દિલ્હી, તા. 11: હવે મકાન અથવા દુકાન ભાડા ઉપર લેનારા પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ તરીકે બે મહિનાના ભાડાની રકમથી વધુની માગણી નહીં કરી શકાય. કેન્દ્ર સરકાર મકાન અને દુકાન ભાડા ઉપર લેનારા અને દેનારા ઉપર મોડેલ ટેનંસી એક્ટ ટૂંક સમયમા લાગુ કરવાની તૈયારી કરી રહી છે. મકાન દુકાન માલિક અને ભાડુઆતના હિતનું સંતુલિત રક્ષણ કરવા માટે નવા કાયદાનો મુસદ્દો અંતિમ ચરણમાં છે. 
નવા કાયદા હેઠળ મકાન માલિક માલિકે દેખરેખ, સમારકામ સંબંધિત કામ અથવા અન્ય કોઈ હેતુ માટે આવવા માટે 24 કલાકની લેખિત નોટિસ એડવાન્સમાં આપવી પડશે. વધુમાં રેન્ટ એગ્રિમેન્ટમાં લખેલી સમય મર્યાદા પહેલા ભાડુઆતને ત્યાં સુધી મકાન ખાલી કરાવી શકાશે નહીં જ્યાં સુધી સતત બે મહિનાનું ભાડું ન ચૂકવ્યું હોય અથવા તો ભાડુઆત દ્વારા મિલકતનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હોય તો ખાલી કરાવી શકાશે. વધુમાં જો ભાડુઆત ભાડા કરાર પૂરો થયા બાદ પણ મકાન ખાલી ન કરે તો મકાન માલિકને ચાર ગણા સુધીનું ભાડું માગવાનો અધિકાર રહેશે. મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે, જો ભાડુઆત ભાડાકરાર સમયમર્યાદામાં મકાન કે દુકાન ખાલી ન કરે આગામી બે મહિના સુધી બમણું ભાડું માગી શકશે અને બે મહિના બાદ ચાર ગણું ભાડું વસૂલવાનો હક રહેશે.
વધુમાં મકાન કે દુકાનની દેખભાળ માટે માલિક અને ભાડુઆત બન્ને જવાબદાર રહેશે. જો મકાન માલિક રિનોવેશન અથવા કોઈ સુધાર કરાવશે તો કામ પૂરું થયાના એક મહિના બાદ ભાડામાં વધારો કરવાની મંજૂરી રહીશે. આ માટે ભાડુઆતની સલાહ પણ લેવામાં આવશે. રાજ્ય સરકાર પોતાની મરજી પ્રમાણે કાયદો લાગુ કરાવી શકાશે. જો કે આ કાયદો જૂની તારીખોથી લાગુ થશે નહીં. મુસદ્દામાં રાજ્યોમાં ઓથોરિટીના ગઠનનો પણ પ્રસ્તાવ છે. જેના ઉપર કાયદાનું પાલન કરાવવાની અને હિતોનાં રક્ષણની જવાબદારી રહેશે. વધુમાં કોઈપણ જાતની તકરારનું સમાધાન કરવા માટે ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer