કોંગ્રેસની કટોકટી બદલ રાહુલ ગાંધી જવાબદાર

કોંગ્રેસની કટોકટી બદલ રાહુલ ગાંધી જવાબદાર
રાહુલના રાજીનામાને કારણે કૉંગ્રેસના સાંસદો અને કાર્યકરો કૉંગ્રેસમાં તેમનાં ભાવિ વિષે અનિશ્ચિત થયા 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 11 : કર્ણાટક અને ગોવામાં કૉંગ્રેસના વિધાનસભ્યોને પ્રલોભનો આપીને લોકતંત્રની હત્યા કરવાનો ભાજપ પર આરોપ મૂકીને ગાંધીજીની પ્રતિમાની સામે લોકસભાની બહાર અને અંદર કૉંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી આજે જોડાયા હતા પરંતુ કૉંગ્રેસની આ કટોકટી માટે તેઓ પોતે જ જવાબદાર છે. કૉંગ્રેસ હાલ જે કફોડી સ્થિતિનો સામનો કરી રહી છે તે માટે લોકસભાની ચૂંટણીમાં રાહુલની નિષ્ફળતા તેમ જ ત્યારબાદ તેમણે પ્રમુખપદેથી આપેલું રાજીનામું જવાબદાર છે. આ રાજીનામાને કારણે કૉંગ્રેસના સાંસદો અને કાર્યકરો કૉંગ્રેસમાં તેમનાં ભાવિ વિષે અનિશ્ચિત થઈ ગયા છે અને રાહુલના પગલે ચાલીને તેઓ પણ રાજીનામાં આપી રહ્યાં છે અને ઉજ્જવળ ભાવિ ધરાવતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષનો પ્રમુખ જ લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળ ગયો હોય અને હવે તે કૉંગ્રેસનું નેતૃત્વ ન કરતો હોય તો એવા પક્ષમાં પોતાનું ભાવિ કેવું રહેશે એવું તેઓ વિચારતા થઈ ગયા છે. આ ઉપરાંત રાહુલના અનુગામીને જાહેર કરવામાં કૉંગ્રેસ ઢીલ કરી રહી હોવાથી પક્ષને વધુ નુકસાન થઈ રહ્યું છે. કૉંગ્રેસની આગેવાની મલ્લિકાર્જુન ખડગે લેશે કે સુશિલકુમાર શિંદે લેશે તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એ એક જાણીતી હકીકત છે કે કર્ણાટક સરકારનું ભાવિ લોકસભાની ચૂંટણીના પરિણામ પર નિર્ભર હતું. કર્ણાટકમાં કૉંગ્રેસને લોકસભાની એક જ બેઠક મળતાં અને જેડી (એસ) સાથેના તેના ગઠબંધનમાં વધુ બરાબર નહીં રહેતા કૉંગ્રેસના વિધાનસભ્યોનાં રાજીનામાં આવી પડયાં છે. ગઠબંધનના ધર્મને નિભાવવાના રાહુલે આપેલા આદેશનું પાલન નહીં થતાં કૉંગ્રેસના વિધાનસભ્યો રાહુલમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે પરંતુ કૉંગ્રેસને સૌથી મોટો આઘાત તો ગોવામાંથી મળ્યો છે જ્યાં 15 વિધાનસભ્યોમાંના 10 ભાજપમાં જોડાઈ ગયા છે અને તેઓ પક્ષપલટા વિરોધી કાયદાના દાયરામાં નહીં આવતાં કૉંગ્રેસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. આ વિધાનસભ્યોએ એ વાત પુરવાર કરી દીધી છે કે તેમને કૉંગ્રેસ કે તેની નેતાગીરીમાં વિશ્વાસ નથી અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે કારણ કે તેમને તેમાં તેમનું ભવિષ્ય દેખાય છે. કર્ણાટક અને ગોવાના આ બનાવો બાદ હવે એ જોવાનું રહે છે કે કૉંગ્રેસ હવે મધ્યપ્રદેશને કેવી રીતે બચાવે છે કારણ કે ત્યાં તેની સરકાર પાતળી બહુમતીથી ગયા વર્ષે રચાઈ છે.
આજે સવારે રાહુલ અને તેમનાં માતા સોનિયા ગાંધી સંસદમાં કૉંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જોડાયાં હતાં. વિવિધ રાજ્યોમાં વિપક્ષના વિધાનસભ્યોને પ્રલોભનો આપી ‘લોકશાહીની હત્યા’ કરવાનો ભાજપ પર આરોપ મૂકતાં ‘લોકતંત્ર બચાવો’ના પ્લેકાર્ડસ સાથે કૉંગ્રેસના સાંસદોએ આજે સૂત્રોચ્ચાર કર્યા હતા.
‘િવકાસ અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે ભાજપ જ્યાં ચૂંટાયેલી સરકારો છે ત્યાં કામગીરીને ખલેલ પહોંચાડીને લોકતંત્રને ખતમ કરી રહ્યો છે’ એમ કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું. દરમિયાન દેશમાં ખેડૂતોની હાલત ‘ગંભીર’ છે એવી રાહુલ ગાંધીની ટિપ્પણનો કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહે આજે સંસદમાં જોરદાર જવાબ આપતાં જણાવ્યું હતું કે દાયકાથી સરકાર ચલાવનારાઓ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer