વિમ્બલ્ડનમાં 11 વર્ષ બાદ ફેડરર-નડાલ આમને- સામને

વિમ્બલ્ડનમાં 11 વર્ષ બાદ ફેડરર-નડાલ આમને- સામને
ફેડરરની વિમ્બલ્ડનમાં જીતની સદી
લંડન તા.11: ટેનિસ વિશ્વના બે મહાન ખેલાડી અને પરંપરાગત હરીફ રોઝર ફેડરર અને રાફેલ નડાલ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનમાં 11 વર્ષ બાદ ફરી આમને-સામને જોવા મળશે. ફેડરર અને નડાલની આવતીકાલ શુક્રવારે સેમિ ફાઇનલમાં ટકકર થશે. ફેડરર અત્યાર સુધી કુલ 20 અને નડાલ 18 ગ્રાંડસ્લેમ ટાઇટલ જીતી ચૂકયા છે. બન્ને વચ્ચે ઓવરઓલ 39 મેચમાં ટકકર થઇ છે. જેમાં નડાલ 24 મેચ જીતી હાવી રહયો છે. ફેડરરને 1પમાં જીત મળી છે. વિમ્બલ્ડનમાં છેલ્લે બન્ને 2008ના ફાઇનલમાં ટકરાયા હતા. ત્યારે પ સેટના મુકાબલા બાદ રાફેલ નડાલની જીત થઇ હતી. ફેડરર ગ્રાસ કોર્ટનો બાદશાહ ગણાય છે. તેણે 8 વિમ્બલ્ડન ખિતાબ કબજે કર્યાં છે.
ગઇકાલે રમાયેલ કવાર્ટર ફાઇનલમાં રોઝર ફેડરરે જાપાની ખેલાડી કાઇ નિશિકોરી સામે 4-6, 6-1, 6-4 અને 6-4થી જીત મેળવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને વિમ્બલ્ડનમાં રેકોર્ડ 100મી જીત નોંધાવી હતી. તે 13મી વખત અહીં સેમિમાં પહોંચ્યો છે. જોકોવિચ પણ સેમિમાં પહોંચી ગયો છે. તેનો સામનો સ્પેનના રોબર્ટો બાતિસ્તા સામે થશે. તેણે આર્જેન્ટિનાના 23મા ક્રમના ખેલાડી ગુઇડો પેલેને 7-પ, 6-4, 3-6, 6-3થી હાર આપી હતી. જયારે નડાલનો કવાર્ટરમાં અમેરિકાના સેમ કવેરી સામે 7-પ, 6-2 અને 6-2થી વિજય થયો હતો. સેરેના 11મી વખત ફાઇનલમાં
સાત વખતની ચેમ્પિયન અમેરિકાની 37 વર્ષીય દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સ વિમ્બલ્ડનમાં 11મી વખત ફાઇનલમાં પહોંચી છે. બીજા સેમિમાં સેરેનાએ ઝેક ગણરાજયની ખેલાડી બાર્બરા સ્ટ્રાયકોવા સામે 6-1 અને 6-2થી જોરદાર જીત મેળવી હતી. શનિવારે રમનાર ફાઇનલમાં સેરેનાની ટકકર સિમોના હાલેપ સામે થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer