જાડેજાએ ફિલ્ડિંગમાં સૌથી વધુ રન બચાવ્યા

જાડેજાએ ફિલ્ડિંગમાં સૌથી વધુ રન બચાવ્યા
બેટિંગમાં પણ રેકોર્ડ કર્યોં
નવી દિલ્હી, તા.11: સૌરાષ્ટ્રના નૈસર્ગિક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સતત આઠ લીગ મેચમાં ભારતીય ઇલેવનમાં તક ન મળી. આખરી લીગ મેચમાં શ્રીલંકા સામે તક મળી અને જાડેજાએ તેનો ભરપૂર લાભ લઇને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું.
આ પછી ન્યુઝીલેન્ડ સામેના સેમિ ફાઈનલમાં રવિન્દ્ર તેની શાનદાર બોલિંગ, ચુસ્ત ફિલ્ડિંગ અને લડાયક બેટિંગથી છવાઇ ગયો. તેણે પ9 દડામાં 77 રનની આતશી ઇનિંગ રમીને ભારતની જીતની તક બનાવી હતી પણ આખરી બે ઓવરમાં તે અને ધોની આઉટ થતાં ભારતના હાથમાથીં જીત સરકી ગઇ હતી. જાડેજાએ તેની વન ડે કેરિયરમાં પ વર્ષ પછી અર્ધસદી કરી હતી. છેલ્લે તેણે ઇંગ્લેન્ડ સામે જ 2014માં લીડસમાં અર્ધસદી કરી હતી. અર્ધસદીથી જાડેજાએ એક રેકોર્ડ કર્યોં છે. તે વર્લ્ડ કપમાં આઠમાં નંબર પર આવીને ફીફટી કરનારો પહેલો ભારતીય બેટધર બન્યો છે. આ પહેલા આ નંબર પર સૌથી વધુ રન નયન મોંગિયાના નામે 28 હતા. જે તેણે 1999ના વિશ્વ કપમાં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ કર્યાં હતા. રવિન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગમાં પણ કમાલ કરીને વિશ્વ કપમાં અત્યાર સુધી સૌથી વધુ 41 રન બચાવ્યા છે. આ લિસ્ટમાં બીજા નંબર પર કિવિઝનો માર્ટિન ગુપ્ટિલ છે. તેણે 34 રન બચાવ્યા છે. મેકસવેલે 9 મેચમાં 32 રન બચાવ્યા છે. જાડેજાએ બે જ મેચ રમ્યા છે. જો કે મોટા ભાગના મેચમાં તેણે 12મા ખેલાડી તરીકે ફિલ્ડિંગ વારંવાર કરી છે.
-----------
અફઘાનિસ્તાનના બોલર આફતાબ આલમ પર એક વર્ષનો પ્રતિબંધ
નવી દિલ્હી, તા.11: અફઘાનિસ્તાનના ઝડપી બોલર અફતાબ આલમ પર તેના દેશના ક્રિકેટ બોર્ડે એક વર્ષનો પ્રદર્શન મુકયો છે. વિશ્વ કપમાં આચારસંહિતાના ભંગ સબબ તેની સામે પગલાં લેવાયા છે. સાઉથમ્પટનમાં એક હોટેલમાં એક મહિલા સાથેના ખરાબ વર્તનને લીધે તેની સામે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer