હારથી નિરાશ ખેલાડીઓના ચાહકોને ભાવુક મેસેજ

હારથી નિરાશ ખેલાડીઓના ચાહકોને ભાવુક મેસેજ
અમારી પાસે જે હતું તે બધું આપ્યું: કોહલી
આખરી શ્વાસ સુધી સર્વશ્રેષ્ઠ આપીશ: જાડેજા
નવી દિલ્હી, તા.11: ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનાવાનું સપનું તૂટી ગયું છે. સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામને 18 રનની હારથી ભારતીય ટીમ વિશ્વ કપની બહાર થઈ ગઈ છે. આ હારથી ભારતીય ટીમના લાખો ચાહકો અને ટીમના ખેલાડીઓ હતાશામાં ડૂબી ગયા છે. ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ભાવુક મેસેજ લખીને ચાહકોના દિલાસો આપવા કોશિશ કરી છે.
સેમિની હાર બાદ સુકાની કોહલીએ ઇમોશનલ ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વિટ કર્યું હતું કે હું સૌથી પહેલા ચાહકોનો આભાર માનું છું. જેઓ ટીમનું સતત સમર્થન કરતા રહ્યા અને મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં ઉમટી પડયા. તમે બધાએ અમારા માટે આ યાદગાર ટુર્નામેન્ટ બનાવી દીધી. અમે નિશ્ચિત રીતે આપના પ્યારને મહેસૂસ કર્યો. અમે બધા નિરાશ છીએ. આપના જેવી જ ભાવના અમારામાં છે. અમારી પાસે જે કાંઇ હતું તે આપ્યું. જયહિન્દ.
જ્યારે મેચમાં 77 રનની લડાયક ઇનિંગ રમનાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટ્વિટ કર્યું કે રમતે મને ક્યારે પણ હાર ન માનવા અને પડીને ઉભા થવાનું શિખવ્યું છે. હું ચાહકો અને પ્રરેણાસ્રોત લોકોને ધન્યવાદ આપી શક્યો નથી. તમારા સહયોગને ધન્યવાદ. પ્રરેણા આપતા રહો હું આખરી શ્વાસ સુધી મારું સર્વશ્રેષ્ઠ આપીશ. લવ યુ ઓલ.
વિશ્વ કપમાં ઇજાને લીધે બહાર થનાર શિખર ધવને ટ્વિટ કર્યું કે અમે શાનદાર ફાઇટ આપી. આપની સ્પિરિટને સલામ. ફાઇનલમાં પહોંચવા માટે કિવિ ટીમને અભિનંદન. જ્યારે બુમરાહે લખ્યું કે ટીમના સાથીદારો, સપોર્ટ સ્ટાફ, ફેમિલી અને તમે બધા ચાહકો આપ સર્વેનો દિલથી આભાર. અમારી પાસે જે હતું તે બધું ન્યોછાવર કર્યું. સ્પિનર ચહલે લખ્યું કે અમારો ફક્ત એક જ ગોલ હતો. વર્લ્ડ ચેમ્પિયન બનવું પણ અસફળ રહ્યા. ભાવનાઓ શબ્દોમાં રજૂ કરી શકીશ નહીં. તમે બધાએ જે રીતે સાથ આપ્યો તેનો દિલથી આભાર. જયહિન્દ.
---------
વર્લ્ડ કપમાં ઈંઙકની જેમ પ્લે ઓફનું સમર્થન કરતો કોહલી
માંચેસ્ટર, તા.11 : ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, વિશ્વકપમાં આઈપીએલ સ્ટાઇલથી પ્લેઓફ લાવી શકાય છે. પ્રબળ દાવેદાર ટીમોએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે પરંતુ મેચના દિવસે ખરાબ પ્રદર્શનથી ભારતની વિશ્વકપની આશા પર પાણી ફરી વળ્યું હતું. આઈસીસીને ભવિષ્યમાં નોકઆઉટ તબક્કામાં આઈપીએલ પદ્ધતિથી પ્લેઓફ લાવવા માટે
સૂચન કરશે.
તેવા સવાલ પર કોહલીએ કહ્યું હતું કે કોને ખબર ભવિષ્યમાં કદાચ આવું થઈ શકે, જો પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહેવાનું મહત્ત્વનું હોય તો સ્પર્ધાના સ્તરને જોતા આ વાત (પ્લેઓફ) પર વિચાર કરી શકાય. કોહલીએ કહ્યું હતું કે, ભારતે 240 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પ્રથમ 45 મિનિટમાં જ મેચ ગુમાવી દીધી હતી. આનાથી કરોડો ચાહકોની આશા તુટી ગઈ હતી. ગઇકાલે પત્રકાર પરિષદ કોહલીએ આ મુજબની વાત કરી હતી.
-------------
ખેલાડીઓ અલગ અલગ રીતે ભારત પરત ફરશે: કેટલાક એક સપ્તાહ બાદ આવશે
મુંબઈ, તા.11: ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ મિશનનો નાટકીય ઢબે અંત આવ્યો છે. ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે આંચકારૂપ હાર સાથે વિશ્વ કપની બહાર થઇ ગઇ છે. હવે એવા રીપોર્ટ મળે છે કે આ હારથી ચાહકોની જેમ ખેલાડીઓ પણ અપસેટ છે. તેનો ઇંગ્લેન્ડથી સીધા ભારત પહોંચવા માંગતા નથી, કારણ કે અહીં તેમણે મીડિયાના અનેક સવાલના જવાબ આપવા પડશે. આથી  ટીમ એક સાથે ભારત નહીં પહોંચે. ખેલાડીઓ બે-ત્રણના જૂથમાં આવી શકે છે. કેટલાક ખેલાડી ઇંગ્લેન્ડના આજુબાજુના દેશમાં પરિવાર સાથે એક વીકનો બ્રેક લઇ
શકે છે.આ સંબંધે બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે ખેલાડીઓએ કઇ રીતે પરત ફરવું તે લોજિસ્ટિક મેનેજરના હાથમાં છે. માટો ભાગના ખેલાડીઓ જુદા જુદા સમયે વતન પરત ફરશે.
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પહેલા બે સપ્તાહનો બ્રેક હોય કેટલાક ખેલાડી હમણા ભારત પરત ફરશે નહીં. ધોની લગભગ એક સપ્તાહ બાદ સીધો રાંચી પહોંચશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer