ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા 223માં ડૂલ: સ્મિથના લડાયક 85

ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા 223માં ડૂલ: સ્મિથના લડાયક 85
 એજબેસ્ટનની સપાટ વિકેટ પર 14 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ સ્મિથ અને કેરી (46) વચ્ચે 103 રનની ભાગીદારી: ઇંગ્લેન્ડ તરફથી વોક્સ-રશીદને 3-3 વિકેટ
બર્મિંગહામ તા.11: વિશ્વ કપના બીજા સેમિ ફાઇનલમાં એજબેસ્ટનની સપાટ વિકેટ પર વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડની શાનદાર બોલિંગ-ફિલ્ડીંગ સામે 223 રને ઓલઆઉટ થઇ હતી. ટોસ જીતીને પહેલો દાવ લેનાર ઓસ્ટ્રેલિયા તરફથી પૂર્વ સુકાની સ્ટીવન સ્મિથે સૌથી વધુ 8પ રન કર્યાં હતા. તેણે ઘાયલ વિકેટકીપર-બેટસમેન એલેકસ કેરી (46) સાથે ત્રીજી વિકેટમાં 103 રનની લડાયક ભાગીદારી કરી હતી. આથી કાંગારૂ ટીમ 49 ઓવરમાં ઓલઆઉટ થતાં પહેલા 223 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોકસ અને આદિલ રશીદે 3-3 વિકેટ લીધી હતી.
વિશ્વ કપની પાંચ વખતની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાની આજે ઇંગ્લેન્ડ સામેના સેમિ ફાઇનલમાં શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. 6 ઓવરમાં 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઇન ફોર્મ ઓપનિંગ જોડી સુકાની એરોન ફિંચ જાફ્રા આર્ચરના દડામાં આઉટ થઇને ઝીરોમાં પાછો ફર્યો હતો. તે ખતરનાક ડેવિડ વોર્નર 9 રને વોકસનો શિકાર બન્યો હતો. આ પછી વર્લ્ડ કપનો પોતાનો પહેલો મેચ રમી રહેલ પીટર હેન્સકોબ 4 રને વોકસના દડામાં બોલ્ડ થયો હતો. 14 રનમાં 3 વિકેટ પડયા બાદ અનુભવી સ્ટીવન સ્મિથ અને એલેકસ કેરીએ ઓસિ.ની ઇનિંગ સ્થિર કરી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફરા આર્ચરનો દડો એલેકસ કેરીના જડબામાં વાગ્યો હતો. આથી તે લોહીલૂહાણ થયો હતો. આમ છતાં તેણે પટ્ટી બાંધી બેટિંગ ચાલું રાખી હતી. જો કે તે 70 દડામાં 4 ચોકકાથી 46 રને રશીદના દડામાં બાઉન્ડ્રી લાઇન પર કેચ આઉટ થયો હતો. આથી તેના અને સ્મિથ વચ્ચેની 103 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. આ પછી સ્ટોનિસ ઝીરોમાં અને મેકસવેલ 22 રન કરી પાછા ફર્યાં હતા. પૂંછડિયા મિચેલ સ્ટાર્કે 29 રન કરીને સ્મિથને સાથ આપ્યો હતો અને નવમી વિકેટમાં મહત્વની પ1 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ અને સ્ટાર્ક 48મી ઓવરમાં ઉપરાઉપરી આઉટ થયા હતા. સ્મિથ 119 દડામાં 6 ચોકકાથી 8પ રને વિકેટકીપર બટલરના સીધા થ્રોથી રનઆઉટ થયો હતો. પછીના જ દડે સ્ટાર્ક બટલરના હાથે કેચઆઉટ થયો હતો. તેણે 36 દડામાં 1 ચોકકા અને 1 છકકાથી 29 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ એક ઓવર પહેલા 49 ઓવરમાં 223 રને ઓલઆઉટ થઇ હતી. આથી ઇંગ્લેન્ડને 27 વર્ષ બાદ વિશ્વ કપના ફાઇનલમાં પહોંચવા 224 રનનું સરળ કહી શકાય તેવું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. વોકસ-રશીદની 3-3 વિકેટ ઉપરાંત આર્ચરે 2 વિકેટ લીધી હતી.
સ્કોર બોર્ડ: ઓસ્ટ્રેલિયા: વોર્નર કો. બેયરસ્ટો બો. વોકસ 9, ફિંચ એલબીડબ્લયૂ આર્ચર 0, સ્મિથ રનઆઉટ 8પ, હેન્સકોબ બોલ્ડ વોકસ 4, કેરી કો. વિન્સે બો. રશિદ 46, સ્ટોનિસ બોલ્ડ રશિદ 0, મેકસવેલ કો. મોર્ગન બો. આર્ચર 22, કમિન્સ કો. રૂટ બો. રશિદ 6, સ્ટાર્ક કો. બટલર બો. વોકસ 29, બેહરડોર્ફ બોલ્ડ વૂડ 1, લિયોન અણનમ પ, વધારાના 16, કુલ 49 ઓવરમાં 223 રન.
વિકેટ ક્રમ: 4, 10, 14, 117, 118, 1પ7, 166, 217, 217, 223
બોલિંગ: વોકસ: 8-0-20-3, આર્ચર: 10-0-32-2, સ્ટોકસ: 4-0-22-0, વૂડ: 9-0-4પ-1, પ્લંકેટ: 8-0-44-0, રશિદ: 10-0-પ4-3.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer