લીંબડીના કાનપર પાસે ડમ્પરની પાછળ કાર ઘુસી ગઇ: બે રાજકોટવાસીના મૃત્યુ: પાંચને ઇજા

રાજકોટના સાત મિત્રો જમ્પીંગ અંગેની મશીનરી જોવા વડોદરા ગયાં’તાં
 
લીંબડી, તા. 11: લીંબડી પાસેના કાનપર ગામના પાટિયા પાસે બંધ હાલતમાં પડેલા ડમ્પરની પાછળ કાર ઘુસી જતાં રાજકોટના અકબર બાબુભાઇ અને અમીન હબીબભાઇ રાઉમાના મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે પાંચને ઇજા થઇ હતી.
રાજકોટમાં રહેતાં સાત મિત્રો અકબર બાબુભાઇ, અમીન હબીબભાઇ રાઉમા, સાહીલ હનીફભાઇ, ધવલ કનુભાઇ ભરવાડ, સમીર સુલતાનભાઇ, કિરીટ  ગોપાલભાઇ, ઇલિયાસ ઇસ્માઇલભાઇ રાઉમા સાતમ આઠમના મેળામાં ધંધો કરવા માટે બાળકો માટેના જમ્પીંગ રાઇડસની મશીનરી જોવા માટે કારમાં વડોદરા ગયા હતાં. જમ્પીં મશીનરી જોઇ તેનો ભાવ-તાલ કરીને પરત કારમાં રાજકોટ આવી રહ્યા હતાં. સવારના પાંચ વાગ્યાના સુમારે  લીંબડી હાઇ-વે પરના કાનપર ગામ પાસે કારનું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોંગ સાઇડમાં પલટી ખાઇને ધડાકા સાથે ડમ્પરની પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતની જાણ થતાં પીએસઆઇ  દિનેશસિંહ ઝાલા અને તેનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. તે પૈકીના અકબર બાબુભાઇ અને અમીન હનીફભાઇ રાઉમાના મૃત્યુ નિપજયા હતાં. જ્યારે  પાંચને ઇજા થઇ હતી. જેતપુરમાં સ્કૂલ બસમાં આગ, વેપારીઓએ છાત્રોને ઉગાર્યા
જેતપુર, તા.11: જેતપુરના ધોરાજી રોડ ઉપર મંડલીકપુર ગામ નજીક આવેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂલકાઓ શાળા પૂર્ણ કરી બસ મારફત પોતાનાં ઘરે જતાં હતા ત્યારે આગ ફાટી નીકળતા આજુબાજુના દુકાનધારકોએ 38 ભૂલકાઓને સલામત રીતે બહાર કાઢી લીધાં હતાં.
મંડલીકપુર ગામ નજીક ઓજસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ભૂલકાઓ ઘરે જવા માટે સ્કૂલ બસમાં બેસી ગયા હતા. આ બસ ધોરાજી રોડ જીઇબી કચેરી પાસે પહોંચી ત્યારે અચાનક એન્જિનમાંથી આગ ફેલાવા લાગતા ભૂલકાઓએ દેકારો મચાવ્યો હતો.
ડ્રાઇવરે તાત્કાલિક બસને સાઇડમાં ઉભી રાખી નજીકના દુકાન-ઓફિસ ધરાવતા વેપારીઓએ દોડી આવીને તમામ બાળકોને બહાર સલામત ઉતારી દીધાં હતાં. આજુબાજુમાંથી પાણી એકત્રિત કરીને બસના એન્જિન ઉપર છંટકાવ કરતા આગ ઓલવાઈ ગઇ હતી.
લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, સ્કૂલ બસ બહુ જૂની હોવાથી એન્જિન બરાબર કામ કરતું ન હોય તેવું લાગી રહ્યું હતું. સ્કૂલ સંચાલકો વાલીઓ પાસે લખલૂંટ ફી વસૂલ કરે છે છતાં બાળકોને ‘ઠોઠિયા’ જેવી બસોમાં મુસાફરી કરાવે છે.
પાલિકા તંત્ર માત્રને માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનાં સાધનો ચેકિંગ કરે છે. બાદ જાણે વિદ્યાર્થીઓની સુવિધાનું તમામ કાર્ય પૂર્ણ થઇ ગયું હોય તેમ ઓફિસોમાં સમય પસાર કરે છે. અમુક સમયે કઇ સ્કૂલમાં કયાં વાહનોમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડીને મુસાફરી કરાવી રહ્યા છે. તેની તપાસ કરવાની જરૂર છે. મંજૂરી કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડે તો પગલાં લેવા જોઇએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer