દીનુ સોલંકીનો તપતો સૂર્ય અસ્ત

પાલિકા પ્રમુખથી સાંસદ અને જેલ સુધીની સફર
દીનુ સોલંકીના રાજમોતી ગ્રુપનું ટ્રેકટર, ટ્રાન્સપોર્ટ, પેટ્રોલપંપ, મોબાઇલ, કેબલ સહિતના અનેક વ્યવસાયોમાં વર્ચસ્વ રહ્યું છે
અમદાવાદ, તા.11: આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં જૂનાગઢના ભાજપના પૂર્વ સાસંદ દીનુ સોલંકીને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોડીનાર પાસે દેવળી ગામના વતની અને કોડીનાર વિધાનસભા બેઠક પર ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહેલા દીનુ સોલંકીએ પોતાની કારકિર્દી કોડીનાર નગરપાલિકાથી શરૂ કરી હતી અને 2009માં જૂનાગઢના સાસંદ બન્યા હતા. આ સમયગાળો માત્ર કોડીનાર માટે નહીં પણ ગુજરાતના રાજકારણ માટે મહત્ત્વનો બની રહ્યો હતો. જો કે, દીનુ સોલંકીને સજા થતાં ગિરસોમનાથ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. દીનુ સોલંકીનો ઉદય કોડીનારના જ્ઞાતિગત રાજકારણ સાથે થયો હતો. વર્ષ 1995માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભાજપે લક્ષ્મણ પરમારને ટિકિટ આપી અને તેમનો વિજય થયો. લક્ષ્મણ પરમાર, શંકરસિંહ વાઘેલાની સરકારમાં પાણી પુરવઠા પ્રધાન બન્યા અને કોડીનારના રાજકારણમાં કારડિયા સમાજનું વર્ચસ્વ ઉભું થયું. અગાઉ કોડીનારમાં મતના રાજકારણમાં કોળી સમાજ અગ્રેસર હતો અને તેથી કોળી ધારાસભ્ય અપેક્ષિત હતા. લક્ષ્મણ પરમાર પ્રધાન હતા તે દરમિયાન જ કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં દેવળીના ખેડૂત આગેવાન અને ઉભરતા નેતા તરીકે દીનુ સોલંકીને તક મળી. તેમણે કોડીનાર નગરપાલિકા પર કબજો જમાવ્યો. અહીંથી તેમની રાજકીય સફર શરૂ થઈ.
દીનુ સોલંકી રાજમોતી પેઢીના નામથી અનેક કારોબારમાં ઝંપલાવી રહ્યા હતા ત્યારે લક્ષ્મણસિંહ પરમારે શંકરસિંહ સાથે રાજપામાં કૂદકો મારતા કોડીનાર પંથકના રાજકારણમાં ભાજપને વિકલ્પરૂપે કારડિયા આગેવાન દીનુ સોલંકી મળ્યા. વર્ષ 1998માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં દીનુ સોલંકીનો ધારાસભ્ય તરીકે વિજય થયો અને ત્યારથી રાજ્યના રાજકરાણમાં છવાઇ ગયા. વાકછટા અને સામાજિક સમીકરણો સાધવાની આવડત સાથે ‘મની’ અને ‘મસલ્સ’ પાવરે જોતજોતામાં તેમને દિગ્ગજ નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા. રાજ્યમાંથી કેશુભાઇ પટેલની વિદાય થઇ અને નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા એ બાદ યોજાયેલી અને ખાસ તો ગોધરાકાંડ બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં દીનુ સોલંકીનો ધારાસભ્ય તરીકે બીજીવાર વિજય થયો. દીનુ સોલંકીનું રાજકીય વર્ચસ્વ દિન પ્રતિદિન વધતું ગયું. 2007માં  યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ દીનુ સોલંકીનો વિજય થયો અને 3 ટર્મના ધારાસભ્યે જૂનાગઢ લોકસભા તરફ નજર દોડાવી. એ સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે તેમને કોંગ્રેસના વર્તમાન સાંસદ જશા બારડ સામે ટિકિટ આપી અને જશા બારડને હરાવ્યા અને સાંસદ બન્યા.
એવું પણ કહેવાય છે કે, કોડીનારમાં લગભગ તમામ નાના-મોટા ધંધામાં સીધી કે આડકતરી રીતે દીનુ સોલંકીની ભાગીદારી રહી છે. ટ્રાન્સપોર્ટથી લઇને અંબુજા સિમેન્ટ કંપનીમાં પાવર બ્રેકિંગ સુધી દીનુ સોલંકીનું વર્ચસ્વ રહ્યુ ંછે. રાજમોતી ગ્રુપ એક ઇન્ડસ્ટ્રીઝ સમાન હતું. ટ્રેકટર, ટ્રાન્સપોર્ટ, પેટ્રોલપંપ, મોબાઇલ, કેબલ સહિતના અનેક વ્યવસાયોમાં રાજમોતી પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. સ્થાનિક  વિસ્તારમાં તેમની ધાક હોવા છતાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ દીનુ સોલંકી વિરુદ્ધ ગેરકાયદેસર ખનનની ફરિયાદો કરી અને અનેક આર.ટી.આઇ અરજીઓ કરી હતી જેના કારણે ગિર સોમનાથના હરમડિયા પંથકમાં કાર્યરત ચુનાના પથ્થરની અનેક ખાણો બંધ કરવાની ફરજ પડી હતી. સત્તા, સંપત્તિ અને મસલ્સ પાવર વચ્ચે દીનુ સોલંકીએ આંખના કણાની જેમ ખૂચતા અમિત જેઠવાનું કાસળ કાઢવા તેની સોપારી આપી હત્યા કરાવી. અમિત જેઠવા કેસમાં દીનુ સોલંકીની સીબીઆઇએ ધરપકડ કરી ત્યારબાદ સમગ્ર સમીકરણો બદલાવા લાગ્યા હતા.
સીબીઆઇ કોર્ટે દીનુ સોલંકીને દોષિત ઠેરવ્યા બાદ કોડીનારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચુકાદા બાદ ગિર સોમનાથ અને ખાસ કરીને કોડીનાર પંથકમાં દીનુ સોલંકીનું વિરોધી જૂથ તાકાત બતાડવાનો પ્રયાસ કરશે. તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના નજીકના ગણાતા અને સંસદીય સચિવપદ  સુધી પહોંચી ગયેલા જેઠા સોલંકીને ફરીથી પુનરાગમનની આશા દેખાઇ શકે છે. તો બીજી તરફ કારડિયા રાજપૂત સમાજ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરશે તે નિશ્ચિત છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer