છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી 254 કરોડનો દારૂ ઝડપાયો

3024 પ્યાસીઓ પોલીસ પક્કડથી દૂર : 1,88,244 આરોપીઓ પકડાયા
અમદાવાદ, તા.11: 1લી મે 1960થી ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજદિન સુધી દારૂબંધી અમલમાં છે. રાજ્ય સરકારે દારૂબંધી અમલી બનાવવા કરવા માટે કડક  કાયદાઓ પણ બનાવ્યા છે. આમ છતાં ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોય એવુ  ઉપસી રહ્યું છે.
રાજ્ય વિધાનસભામાં વિવિધ જિલ્લાઓમાં દેશી અને વિદેશી દારૂ અંગેના સંખ્યાબંધ પ્રશ્નો પૂછાયા છે જેમાં સરકારે એવી કબૂલાત કરી છે કે છેલ્લા બે વર્ષમાં રૂા.254.80 કરોડનું દેશી-વિદેશી દારૂ પકડાયો છે. સરકારે જ જાહેર કર્યા મુજબ આ બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી 15 લાખ 40 હજાર 454 લિટર દેશી દારૂ, 1 કરોડ 29 લાખ 50 હજાર 463 જેટલી વિદેશી દારૂની બોટલો ઉપરાંત 18 લાખ 34 હજાર 8792 જેટલી બિયરની બોટલો પકડવામાં આવી છે.
એનો સીધો અર્થ એ થાય કે ગુજરાતમાં એક બાજુ દારૂબંદીના કારણે સરકારને કરોડો રૂપિયાની એક્સાઇઝ ડયુટીની આવક ગુમાવવી પડે છે, તો બીજી બાજુ  રાજ્યમાં અબજો રૂપિયાનો દારૂ ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહ્યો છે.
1600 કિ.મી.ના દરિયાકિનારા ઉપરાંત ગુજરાત આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદોથી ઘેરાયેલું રાજ્ય છે. જેની સુરક્ષા માટે ગુજરાત અને ભારત સરકાર દ્વારા પણ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાનમાં રૂા.254 કરોડ 80 લાખના દારૂની લાખો-કરોડો બોટલો ઘુસાડવામાં આવતી હોય તો પાલીસના વ્યવસ્થાપનની ખામીની બાબત ઉડીને આંખે વળગે તેવી છે. રાજ્યમાં ઓછું પોલીસબળ, મહત્વની ખાલી જગ્યાઓ પણ આ માટે જવાબદાર હોય એમ મનાય છે.
સરકાર દ્વારા થેલ્લા બે વર્ષ દરમિયાન દેશી દારૂ માટે 1,32,415 જેટલા અને વિદેશી દારૂ માટે 29,989 જેટલા કેસો કરવામાં આવ્યા છે અને તેમાં જવાબદાર 1,88,224 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જ્યારે 3024 આરોપીઓ પોલીસની પકડથી બહાર છે. આ સ્થિતિ  પણ રાજ્યને પોલીસ તંત્ર માટે ચોંકાવનારી છે.
નોંધનીય બાબત એ છે કે, બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદે અડીને આવેલો છે અને બનાસકાંઠામાંથી છેલ્લા બેવર્ષ દરમિયાન રૂા.25.52 કરોડનો દારૂ પકડાયો છે. ત્યારબાદ દીવ, દમણને અડીને આવેલા વલસાડ જિલ્લામાંથી રૂા.24.92 કરોડનો દારૂ પકડાયો છે. જ્યારે સંસ્કારી નગરી વડોદરામાંથી રૂા.18.63 કરોડનો, અમદાવાદ મેટ્રો સીટીમાંથી રૂા.18.72 કરોડ જ્યારે સુરત જેવા શહેરમાંથી રૂા.16.47 કરોડ, અરવલ્લી જિલ્લામાંથી રૂા.16.12 કરોડ, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાંથી રૂા.10.81 કરોડનો તેમજ કચ્છ જિલ્લામાંથી રૂા.10.18 કરોડનો ગેરકાયદેસર દારૂ પકડાયો છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભાવનગરમાંથી રૂા.4.50 કરોડ, સુરેન્દ્રનગરમાંથી રૂા.12.10 કરોડ, બોટાદમાંથી રૂા.78 લાખ, મોરબીમાથી રૂા.7 કરોડ, અમરેલીમાંથી. રૂા.9 લાખ, પોરબંદરમાંથી રૂા.66 લાખ, જામનગરમાંથી રૂા.4.41 કરોડ, દેવભૂમિ દ્વારકામાંથી રૂા.3.89 કરોડ, ગીરસોમનાથમાંથી રૂા.1.45 કરોડ, જૂનાગઢમાંથી. રૂા.4.34 કરોડનો ગેરકાયદેસર દારૂ પકડાયો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer