વડોદરા એરપોર્ટે કાર્ગોમાંથી સ્ફોટક પદાર્થનું પાર્સલ મળ્યું

2 એરગન, 58 કારતૂસ અને 187 છરા વાળુ પાર્સલ સુરતની એક વ્યક્તિએ એરગનનો કલર ન ગમતા અમૃતસર પરત મોકલ્યું હતું
વડોદરા,તા.11 : વડોદરા એરપોર્ટ પર એરકાર્ગોમાં આરડીએક્સ સાથેનું પાર્સલ પકડાયાની વાત ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા જવાનોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે, સુરક્ષા એજન્સીઓની તપાસમાં તે એરગનમાં વપરાતો પાઉડર હોવાનું માલુમ પડતા તંત્રના શ્વાસ હેઠા બેઠા હતા.
વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગોના કાર્ગોમાંથી સુરતથી અમૃતસર જતાં શંકાસ્પદ પાર્સલના સ્કેનિંગ દરમિયાન તેમા વિસ્ફોટક સામગ્રી હોવાનું કર્મચારીને ધ્યાને આવ્યું હતુ. જેને પગલે તરત જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી. બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ વગેરે સાથે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. શંકાસ્પદ પાર્સલની ચકાસણી કરતા 2 એરગન, 58 કારતૂસ અને 187 છરા મળી આવ્યા હતા. એક તબકકે આરડીએકસ હોવાની અફવા ફેલાતા હરણી પોલીસ બોંબ સ્કવોર્ડ સાથે ચકાસણી કરતા કારતૂસમાં આરડીએકસ નહીં પણ પોટેશિયમ કલોરેટ હોવાનું બહાર આવ્યું હતુ. અલબત્ત, ફટાકડા જેવા પદાર્થ એરક્રાફટમાં પ્રતિબંધિત હોવાથી એફએસએલે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી. જેની વધુ તપાસમાં આ પાર્સલ સુરતની એક વ્યક્તિએ ખરીદેલી એરગનનું હોવાનું જાણવા મળ્યું હતુ. જેનો કલર તેને ન ગમતા અમૃતસર પરત મોકલ્યું હતુ.
---------
સડોદરની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર કૌટુંબિક
દાદાને આજીવન કેદ : અન્ય 3ને 10 વર્ષની સજા
કૌટુંબિક દાદાએ પોતાના ઘરમાં અને અન્ય ત્રણ આરોપીઓએ પોતપોતાની દુકાનમાં દુષ્કર્મ આચરતા બાળા સગર્ભા બની હતી
જામનગર, તા.11 : જામનગર જિલ્લાના સડોદર ગામની 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં જામનગરની કોર્ટે કૌટુંબિક દાદાને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પણ 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે.
આ ચકચારી કેસની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતી 14 વર્ષની સગીરા કે જે સ્કૂલેથી છૂટીને પોતાનું ઘર બંધ હોવાથી અને ઘરની ચાવી નજીકમાં જ રહેતા પોતાના કુટુંબી દાદા રાજાભાઈ ઉકાભાઈ રાઠોડના ઘરમાં રાખવામાં આવી હોવાથી ત્યાં ચાવી લેવા ગઈ હતી. દરમિયાન કુટુંબી દાદા રાજાભાઈ રાઠોડે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર પછી ધાકધમકી આપી વધુ ત્રણેક વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવ પછી સડોદર ગામના જ ખીમાણંદ ઉર્ફે ખીમા બેરાએ પોતાની કરિયાણાની અને બુક સ્ટોલની દુકાનમાં સગીરા ગુંદર લેવા માટે આવી હતી ત્યારે તેણે સગીરાને ડરાવી ધમકાવી દુકાનમાં જ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના પછી ભોગ બનનાર સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાના પેટમાં છ માસનો ગર્ભ રહી ગયો હોવાનું ધ્યાનમાં આવતા આ દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. જેથી શેઠવડાળા પોલીસ મથકમાં તા.19-9-2015ના દિવસે ઉપરોકત બંને આરોપીઓ સામે પોકસો એકટ હેઠળ તેમજ દુષ્કર્મ આચરવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ દ્વારા સગીરાની વિશેષ પૂછપરછ કરાતા સડોદર ગામમાં જ ગુલ્ફીનું મશીન ધરાવતા રમેશ ઉકાભાઈ પટેલે પણ પોતાની દુકાનમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તેમજ સડોદર ગામના બકાલાના વેપારી અનિલ જયંતી જોષીએ પણ પોતાની દુકાનમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત આપી હતી.
આ સમગ્ર મામલા પછી શેઠવડાળા પોલીસ દ્વારા ચારેય આરોપીઓ સામે પોકસો એકટ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી પોકસો સમક્ષ ચાર્જશીટ કર્યું હતું. આ કેસ જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલી જતા સરકાર પક્ષે 48 જેટલાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત 17 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતાં. સમગ્ર પુરાવાઓ અને રજૂઆતો વગેરેને ધ્યાને લઈને પોકસો કોર્ટે ચારેય આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા જેમાં ભોગ બનનારના કુટુંબી દાદા રાજા ઉકાભાઈને આજીવન સખત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ ફટકાર્યો છે અને અન્ય ગુનામાં એક વર્ષની સજા તથા રૂા.10 હજારનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત બીજા આરોપી ખીમાણંદ જગાભાઈને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ, રમેશ ઉકાભાઈને પણ 10 વર્ષની સજા અને રૂા.10 હજારનો દંડ તેમજ 4થા આરોપી અનિલ જેન્તીભાઈને બે વર્ષની સખત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ ફટકાર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer