કુચિયાદડની સીમમાંથી રૂ.ર1.4ર લાખના દારૂ સાથે પાંચ શખસો ઝડપાયા

કુચિયાદડની સીમમાંથી રૂ.ર1.4ર લાખના દારૂ સાથે પાંચ શખસો ઝડપાયા
રાજકોટ, તા.11 : કુવાડવા રોડ પરના કુચિયાદડની સીમમાં આવેલા ઇન્ડ. એરિયામાં રાજકોટના કુખ્યાત બુટલેગરે ગોડાઉન ભાડે રાખીને દારૂ ઉતાર્યો હોવાની બાતમીના આધારે ક્રાઈમબ્રાંચના સ્ટાફે દરોડો પાડયો હતો અને રૂ. ર1.4ર લાખની કિંમતનો દારૂ તથા ટ્રક-મોબાઈલ સહિત રૂ.33.43 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે નાસી છૂટેલા કુખ્યાત બુટલેગર સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે કુચિયાદડના પાટિયા પાસેના મીત ઈન્ડ. એરિયામાં આવેલા ગોડાઉનમાં ઘોડા-પશુ બાંધવા આવેલ હોય ત્યાં દારૂનો જથ્થો ઉતારીને અન્ય વાહનોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની ક્રાઈમબ્રાંચના જમાદાર અમૃતભાઈ મકવાણા, કરણભાઈ મારુ, સંજયભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે પીઆઈ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોસઈ. ડી.પી. ઉનડકટ, જમાદાર ભરતભાઈ વનાણી, જમાદાર ભરતભાઈ વાઘેલા, જયંતીભાઈ ગોહિલ, સંતોષભાઈ મોરી, બિપીનદાન ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો અને રૂ.ર1.4ર લાખની કિંમતની 161 પેટી દારૂ તથા રૂ.1ર લાખની કાર, મોબાઈલ સહિત રૂ.33.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન રાજસ્થાનના રોબીયા ગામના ક્રિષ્નકુમાર રૂપલાલ ડામોર, કારછાના બાબુલાલ રામલાલ ડામોર, ખાંડી ઓબરીના રીતેષ રમેશ મીણા, રોબીયાના કિશનલાલ નાથુલાલજી ડામોર, ટંકારાના અમરાપરના જગદીશ સતા ઝાપડાને ઝડપી લીધા હતા. જ્યારે કુખ્યાત બુટલેગર ફિરોઝ હાસમ સંધી સહિતના શખસો ફરાર થઈ ગયા હતા. બુટલેગર ફિરોઝ સંધીએ ઈન્ડ. એરિયામાં ગોડાઉન ભાડે રાખીને માલ-ઢોર રાખવાના ઓઠા હેઠળ દારૂનો જથ્થો ઉતારીને સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer