માતાનાં પડખામાં સૂતેલી બાળાને દીપડાએ ફાડી ખાધી

માતાનાં પડખામાં સૂતેલી બાળાને દીપડાએ ફાડી ખાધી
ચાર વર્ષની માસુમને ઉઠાવી ગયો: જૂના રાજપરા ગામનો બનાવ
તળાજા, તા. 11 : તળાજાના ગોપનાથ નજીક જૂના રાજપરા ગામે વાડીમાં માતાની બાજુમાં સૂતેલી ચાર વર્ષની બાળકીને ખૂંખાર દીપડો ઊપાડી જંગલ તરફ નાસી ગયો હતો. પરિવારજનોએ બાળકીની શોધ કરી હતી પણ તેનો મૃતદેહ જ મળ્યો હતો. આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ રાજપરા દોડી ગઈ હતી અને દીપડાને પાંજરે પૂરવા કવાયત શરૂ કરી હતી. તળાજા તાલુકો બૃહદ્દ ગીરમાં સમાવિષ્ટ છે અને અહીં દીપડાઓની વસતિ વધી રહી છે. દીપડાઓને તેનો પૂરતો શિકાર ન મળતાં હવે બાળકોને ઉઠાવી રહ્યા છે. આવી ઘટનાઓ વધતી જાય છે ત્યારે ગોપનાથ નજીક જૂના રાજપરા ગામે બનેલી વધુ એક ઘટનામાં દીપડો ચાર વર્ષની બાળકીને ઉઠાવી નાસી ગયો હતો. જૂના રાજપરા ગામના અને ઝાંઝમેરની સીમમાં વાડી ધરાવતા લક્ષ્મણભાઈ બાલાભાઈ ભીલ, પત્ની ચકુબેન અને બાળકો ઝૂંપડાંમાં સુતા હતા.
એવામાં રાતના એક વાગ્યે ચાર વર્ષની બાળકી વિશ્વા (ઢબુડી)ની ચીસ સંભળાઈ ત્યારે તેઓ જાગી ગયા હતા. જોયું તો તેની પુત્રીને દીપડો ગરદનેથી પકડીને ભાગી રહ્યો હતો. લક્ષ્મણભાઈ હાકલા-પડકારા કરતાં પાછળ દોડયા પણ દીપડો વધારે દૂર ભાગી ગયો અને પુત્રીના નામની બૂમ પાડતાં પાડતાં જંગલ વિસ્તાર તરફ ગયા ત્યારે પિતાના પગમાં દીકરીનો દેહ ઠેબે ચડયો. જોયું તો દીપડો છાતી, ગરદનના ભાગેથી લોહી પી ગયો હતો અને નાસી ગયો હતો. છેલ્લા શ્વાસ લઈ રહેલી બાળકીને પિતાના ખોળામાં અંતીમ શ્વાસ લીધા હતા. 108ને જાણ કરાતાં ઈએમટી દિનેશ સિહોરા અને પાયલોટ પિન્ટુભાઈ ગોહિલ સ્થળ પર રાતના બે વાગ્યે દોડી ગયા હતા.
આ બનાવની જાણ થતાં આરએફઓ એમ.કે.વાઘેલા સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને ખૂંખાર દીપડાને પાંજરે પુરવા કાર્યવાહી શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer