રાજ્ય સરકારે 3 વર્ષમાં 9700 કરોડની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકારે 3 વર્ષમાં 9700 કરોડની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી
પંચમહાલ જિલ્લામાં રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, તા.16: ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધૂનિક અને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ પાક ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બનવાનું આહવાન કરતા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્યસરકારે મગફળી, તુવેર, મગ, અડદ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરી છેલ્લા ત્રણ વર્ષમાં રૂા.9700 કરોડની ખેડૂતોને ચૂકવણી કરી  હોવાનું જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના ખાનપુર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-2019નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શન ખુલ્લુ મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી તેમજ ભારતીય સંસ્કૃતિની પ્રતિક એવી ગૌ-માતાનું પૂજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને પ્રગતિશીલ ખેડૂતોનું સરદાર પટેલ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર આપી સન્માન કરવા સહિત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના સહિત કુલ 16 લાભાર્થીઓને રૂા.8.45 લાખના ચેકોનું વિતરમ કર્યુ હતું. મુખ્યપ્રધાને 121 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા રજૂ કરતા પુસ્તકનું પણ વિમોચન કર્યુ હતું.
મુખ્યપ્રધાને રાજ્યમાં ગીર અને કાકંરેજ નસલની ગાયોના જતન અને સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવતા ઉમેર્યુ હતું કે, કૃષિ મહોત્સવની સાથે પશુ આરોગ્ય મેળાના આયોજનથી પશુઓના જટીલ ગંભીર રોગોની સ્થળ પર તપાસ નિદાન સારવાર કરવામાં આવી રહી છે.  તેમણે વધુમાં કહ્યું કે,ખેડૂત અને ખેતી સમૃદ્ધ હશે તો જ ગામડાઓ સમૃદ્ધ બનશે. છેવાડા ખેડૂતોની પણ ખેતી સમૃદ્ધ બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. ખેડૂતોને રૂા.3 લાખ સુધીની કૃષિ લોન શૂન્ય ટકા વ્યાજે આપવામાં આવી રહી છે. તેમણે ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર, જંતુનાશક દવો તેમજ ગુણવત્તયુક્ત બિયારણો મળી રહે તે માટે રાજ્યસરકારે કરેલ આગોતરા આયોજનની માહિતી આપી હતી.
રૂપાણીએ કહ્યુ ંકે, રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 28 લાખ ખેડૂતોને રૂા.1100 કરોડની ઇનપુટ્સ સહાય સીધેસીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.  રાજ્યમાં સિંચાઇને વ્યાપ વધારવા નર્મદા-પાનમ-કડાણા-ઉકાઇ અને દાંતીવાડા ડેમનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડયું છે. મુખ્યપ્રધાને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવા ડ્રીપ ઇરીગેશન અપનાવી વાન ડ્રોપ- મોર ક્રોપનો સંકલ્પ સાકાર કરવા જણાવ્યું હતું.
આ અવસરે મુખ્યપ્રધાન વિજયભાઇ  રૂપાણીનું વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા પરંપરાગત આદિવાસી કોટી, તલવાર, સાફો, ચાંદીનું કડું અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer