‘વાયુ’ને કારણે વર્ષો બાદ ભીમ અગિયારસની વાવણી

‘વાયુ’ને કારણે વર્ષો બાદ ભીમ અગિયારસની વાવણી
બળદ શણગારાયા, કુંવારિકાઓના હસ્તે કુમકુમ તિલક થયાં, મોં મીઠાં કરાવી, શ્રીફળ વધેરી વાવણીનો પ્રારંભ : ઘેરઘેર લાપસીનાં આંધણ
વેરાવળ, તાલાલા, માળિયાહાટીના, તા.16 : વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારોમાં વાવાઝોડા ‘વાયુ’ની અસરથી વરસેલા અનરાધાર વરસાદે વરસો બાદ ભીમ અગિયારસની વાવણી શક્ય બનાવી હોય જગતના તાતની ખુશી સમાતી નથી. ભીમ અગિયારસની વાવણી પરંપરાગતરીતે બળદને સજાવી, કુંવારિકાના હસ્તે પૂજન કરાવી, લાપસીના આંધણ મૂકી કરાતી હોય છે. જ્યાં 6થી 10 ઇંચ વરસાદ પડયો છે. ત્યાં વર્ષો બાદ આવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ખેડૂતોએ મોટાપાયે મગફળીનું વાવેતર કર્યાના અહેવાલ છે.
વેરાવળ : ગીર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સહિતના પંથકમાં વિદાય લેતા વાયુ વાવાઝોડાએ જલ પ્રસાદ આપ્યો હોય તેમા ચોવીસ કલાકમાં વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડામાં અનરાધાર વરસાદ વરસાવ્યો હતો. સોરઠને વાયુ વાવાઝોડાએ પહેલા ધમરોળ્યું, ડરાવ્યું પછી અનરાધાર વરસાદ વરસાવી ખુશખુશાલ કરી દીધા હતા અને પવનદેવે પણ વેરેલા વિનાશનો વરુણદેવે મનમૂકીને વરસી નુકસાન ભરપાઇ કરી દીધું હોય તેમ સારા અને વાવણીલાયક વરસાદથી જગતના તાત એવા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે અને ખાસ કરીને આજે વર્ષો બાદ ભીમ અગિયારસના વાવણીના મુહૂર્ત સચવાતા ખેડૂતોમાં હરખની  વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામના ખેડૂત જગમાલભાઇ ઝાલાના પરિવાર દ્વારા ભીમ અગિયારસના વાવણીનાં મુહૂર્તને લઇ પરંપરા મુજબ બળદોને સાજ શણગાર કરી, દીકરીના હસ્તે ધરતી માતાને શ્રીફળ સહિતના નૈવેધ કરી વાવણીના શુભારંભ કર્યા હતા.
એક તરફ વર્ષો બાદ ભીમ અગિયારના વાવણીના મુહૂર્ત સચવાતા ખેડૂતો ખુશખુશાલ તો હતા સાથે સાથે બિયારણ અને ખાતરના ભાવ સાતમા આસમાને ચડી જતાં થોડા ચિંતિત પણ બન્યા છે.
શાસ્ત્રો મુજબ ભીમ અગિયારની વાવણી શ્રેષ્ઠ ગણાય છે અને પાછલાં વર્ષોમાં મોટા ભાગે ભીમ અગિયારમાં વરસાદ નહીંવત્ વરસતો હતો જેથી ખેડૂતો આ મુહૂર્ત સાચવી શકતા ન હતા ત્યારે આજે વડસાવીત્રીના પવિત્ર દિવસની સાથે ભીમ અગિયારસના વાવણીના મુહૂર્ત સચવાતા ખેડૂતોમાં ખુશાલીનો કોઇ પાર નથી.
તાલાલા પંથકમાં દશ ઇંચ વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોએ વાવણી શરૂ કરી
તાલાલા પંથકમાં આઠથી દશ ઇંચ મુશળધાર વરસાદ વરસતા આખો તાલાલા પંથક પાણીથી તરબોળ થઈ ગયો હતો. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. વાવણીલાયક સંતોષજનક વરસાદ બાદ બે દિવસથી સંપૂર્ણ વરાપ હોય, તાલાલા પંથકના ખેડૂતોએ સર્વત્ર વાવણીની કામગીરી શરૂ કરી છે.
તાલાલ પંથકના વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલાના ખેડૂતો મગફળીનું વાવેતર કરી રહ્યા હોય આ વર્ષે તાલાલા પંથકમાં મગફળીનું બંપર વોવતર થવાનો અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલાલા પંથકમાં ગતવર્ષ કુલ 15,796 હેક્ટર જમીનમાં ખરીફ વોવતર થયું હતું. જે પૈકી 9248 હેક્ટરમાં મગફળી અને 2921 હેક્ટરમાં સોયાબીન તથા કઠોળનું વાવેતર થયું હતું પરંતુ આ વર્ષે મોટા ભાગના વિસ્તારમાં માત્ર મગફળીનું વોવતર થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
માળિયાહાટીના તાલુકામાં ખેડૂતો દ્વારા વાવણીકાર્યનો પ્રારંભ થયો
માળિયા(હાટીના): છેલ્લા 5-દિવસથી માળિયાહાટીના તાલુકામાં પાચથી માંડીને 8 ઇંચ જેટલો વરસાદ પડી જતાં આજે સવારથી વરાપ નીકળતા ખેડૂતોએ લાપસીના આંધણ મૂકી મગ-ચોખા લાપસી બનાવીને શ્રીફળ વધેરીને તમામને મીઠું મોઢું કરાવી વાવણી કરવાનો શુભઆરંભ કરી લીધો છે. આજે દરેક ઘરે મગ- લાપસીનાં આંધણ મુકાયાં છે.
આમ માળિયાહાટીના તાલુકામાં મોટા ભાગના ગામડાઓમાં ધમધોકાર વાવણી કાર્ય શરૂ થઈ ગયું છે.
-------------
રાજ્યમાં છૂટી છવાઇ મેઘમહેર; અમદાવાદમાં વૃક્ષ પડતા યુવતીનું મૃત્યુ
અમદાવાદ, તા.16: વાયુ વાવાઝોડાની અસર હેઠળ રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે.  ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસેલા વરસાદે રાજ્યમાં ચોમાસાનો માહોલ ઉભો કરી દીધો છે. અમદાવાદમાં આજે સતત બીજા દિવસે વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હતા. શહેરના અમરાઇવાડી, એસ.જી.હાઇવે, વત્રાપુર, શીવરંજની, જીવરાજ પાર્ક, વાસણા, ઇસ્કોન, સેટેલાઇટ, નહેરુનગર, થલતેજ અને બોપલ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. વરસાદના કારણે જીવરાજ પાર્ક રસ્તા પર દર ચોમાસે પડતો ભૂવો ફરી એકવાર પડયો હતો. તો આજના વરસાદના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડયા હતા, જેમાં એક દુર્ઘટના મણિનગરમાં બની છે. મણિનગરમાં આવેલી બેસ્ટ સ્કૂલ પાસે ચાલુ રીક્ષા પર વૃક્ષ પડતા રખિયાલની  સલમાબાનુ નામની 24 વર્ષની  યુવતીનું મોત નીપજ્યું છે જ્યારે અખબારનગર નવા વાડજમાં બનેલી અન્ય દુર્ઘટનામાં વૃક્ષ રીક્ષા પર પડતા એક વ્યક્તિને ઇજા થઇ છે.
દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂકાવાનું શરૂ થયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા રોડ-રસ્તા પાણીથી તરબોળ થઇ ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા આગ ઝરતી ગરમીથી લોકોને રાહત મળી હતી.  ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી  થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોટાદમાં સતત ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગઢડામાં ગુરૂવારથી વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાની સાથે લોકોને ગરમીથી રાહત મળી છે, તો બીજી બાજુ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. ભાવનગરમાં રાત્રીના વિરામ બાદ વહેલી સવારથી ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. વરસાદ પડતા ભાવનગરવાસીઓએ ગરમીમાંથી રાહત અનુભવી, ભાવનગરમાં ઘણી જગ્યો ભુવા પડતા વાહનો ફસાયા હતા અને ટ્રફિક જામની સમસ્યાથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં વાવાઝોડાના કારણે વૃક્ષ ધારાશાયી થવાના બનાવ સામે આવ્યા છે. નરસિંહ તળાવ પાસે વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ આજે ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. શહેરમાં વહેલી સવારથી નાનપુરા, રાંદેર, અડાજણ વિસ્તારમાં વરસાદ અવિરત પડતા શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભરૂચમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
વરસાદના આંકડામાં  મુખ્યત્વે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 15 મી.મી., લાઠીમાં 12 મી.મી., અમદાવાદ શહેરમાં 11 મી.મી., સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 11 મી.મી., ભરૂચમાં 7 મી.મી., અમરેલીમાં 6 મી.મી., નવસારી જિલ્લાના ચીખલીમાં 6 મી.મી., મહેસાણા જિલ્લાના વીસનગરમાં, ગાંધીનગર જિલ્લાના દહેગામમાં, અમદવાદ જિલ્લાના બાવળામાં તેમજ બોટાદ જિલ્લાના ગઢડામાં 5-5મી.મી. વરસાદ થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer