આજથી સંસદનું સત્ર ઈં લોકસભામાં નેતૃત્વ માટે પણ કોંગ્રેસ અનિર્ણિત

આજથી સંસદનું સત્ર ઈં લોકસભામાં નેતૃત્વ માટે પણ કોંગ્રેસ અનિર્ણિત
વિપક્ષ વેરવિખેર : સરકારને ઘેરવા સમન્વયનાં કોઈ પ્રયાસ પણ થયા નહીં
નવીદિલ્હી, તા.16 : નવી ચૂંટાયેલી લોકસભાનું પ્રથમ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. પરંતુ વિપક્ષી દળોને હજી પણ કારમા પરાજયની કળ વળી નથી. વેરવિખેર દેખાઈ રહ્યો છે. એનડીએ મોરચા દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી પણ વિપક્ષ તરફથી હજી સુધી આવી કોઈ પહેલ હાથ ધરવામાં આવી નથી. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સભ્ય પી.એલ. પુનિયાનાં કહેવા અનુસાર લોકસભામાં ચૂંટાયેલા સાંસદોનાં શપથ બાદ વિપક્ષી દળોનાં નેતાઓની બેઠક મળી શકે છે. જો કે કોંગ્રેસ સંસદનાં સત્રનાં આગલા દિવસ સુધી લોકસભામાં પોતાનાં નેતાની ઘોષણા પણ કરી શક્યો નથી.
આ પહેલા એવું કહેવામાં આવતું હતું કે, કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડવા માગતાં રાહુલ ગાંધી નીચલા ગૃહમાં પક્ષનું નેતૃત્વ સંભાળી શકે છે. 16મી લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરનાર મલ્લિકાર્જુન ખડગે આ વખતે ચૂંટણી હારી ગયા બાદ કોંગ્રેસ હિન્દી અને અંગ્રેજી ભાષાનો સારો મહાવરો ધરાવતાં નેતાને લોકસભામાં આગેવાની સોંપવા માગે છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી, શશી થરૂર અને પશ્ચિમબંગાળ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી અને કેરળ પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ કે.સુરેશને આ જવાબદારીની દોડમાં અગ્રીમ માનવામાં આવે છે. બીજીબાજુ આગામી સત્રમાં (જુઓ પાનું 10)
મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષી દળોએ હજી સુધી પરસ્પર સમન્વયનો પણ કોઈ પ્રયાસ કર્યો નથી કે નથી કોઈ અધિકૃત નિવેદન પણ કરવામાં આવ્યું. જે વિપક્ષોની હતાશા દેખાડી જાય છે. તેમાં પણ કોંગ્રેસ સૌથી વધુ અસમંજસમાં હોવાનું દેખાય છે. લોકસભામાં કોંગ્રેસની આગેવાની કોણ કરશે તેવા સવાલનાં જવાબમાં પુનિયાએ કહ્યું હતું કે, સદનનાં નેતા ચૂંટવા માટે હજી સમય છે. સોનિયા ગાંધી આ કાર્ય પૂરું કરશે તેવો વિશ્વાસ તેમણે દેખાડયો હતો.
----------
એક દેશ, એક ચૂંટણી
ચર્ચા માટે મોદીએ બોલાવી સર્વપક્ષી બેઠક
નવીદિલ્હી, તા.16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે એક દેશ, એક ચૂંટણીની વ્યવસ્થા ઉપર આગળ વધવા માગે છે. આના માટે તેમણે સંસદભવનમાં 19મી જૂને તમામ પક્ષોનાં રાષ્ટ્રીય અધ્યક્ષોની એક બેઠક પણ બોલાવી છે. ત્યારબાદ 20મીએ મોદી લોકસભા અને રાજ્યસભાનાં સાંસદો સાથે આ બારામાં ચર્ચા કરશે.  સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીનાં જણાવ્યા અનુસાર 19મીને બેઠકમાં વડાપ્રધાન મોદી એક દેશ, એક ચૂંટણી અને મહાત્મા ગાંધીની 1પ0મી જયંતિ સંબંધિત કાર્યક્રમોની ચર્ચા કરશે. આ ઉપરાંત વડાપ્રધાન સંસદમાં ઐક્યતાનો ભાવ પણ પેદા કરવાં માગે છે. કોંગ્રેસ હંમેશાથી દેશમાં એકસાથે કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણીની વિરુદ્ધ રહ્યો છે. ગત વર્ષે ઓગસ્ટમાં પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, પી.ચિદમ્બરમ સહિતનાં અન્ય નેતાઓએ વિધિ આયોગ સમક્ષ તેનાં માટે અસહમતી દેખાડી હતી. કોંગ્રેસનું કહેવું છે કે એકસાથે ચૂંટણી યોજવી એ ભારતીય સંઘવાદની ભાવના ખિલાફ છે.
આજે સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક વિશે જોશીએ જણાવ્યું હતું કે, સરકારને વિપક્ષીદળોની સાથે સહયોગી પક્ષો તરફથી પણ ઘણાં સૂચનો મળ્યા છે. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, આ વખતે સંસદમાં ઘણાં નવા ચહેરાઓ છે. તેમના તરફથી મળતા વિચારોને પણ સરકારનાં કાર્ય મુસદ્દામાં સમાવવા જોઈએ. 2022માં ભારતની સ્વતંત્રતાને 7પ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની 1પ0મી જયંતિ પણ ઉજવવામાં આવનાર છે. આ સંબંધમાં આયોજનો વિશે ચર્ચા કરવાં માટે બેઠક યોજવામાં આવી છે.
---------
સંસદ બાધિત ન કરવા મોદીની તમામ પક્ષને અપીલ
નવી દિલ્હી, તા. 16: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સંસદમાં પક્ષના નેતાઓને મતભેદને બાજુએ રાખીને બન્ને  સદનનાં કામકાજને બાધિત ન કરવાની અપીલ કરી હતી. સોમવારે શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા નેતાઓને સંબોધિત કરતા મોદીએ તમામ રાજનીતિક દળોને સદનને યોગ્ય રીતે ચલાવવામાં સરકાર સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને નવનિર્વાચિત સાંસદોનું પણ સ્વાગત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે સંસદનાં કામકાજમાં નવા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે. મોદીએ તમામ નેતાઓ સમક્ષ આત્મનિરિક્ષણનો પણ આગ્રહ કર્યો હતો કે શું તેઓ લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે સક્ષમ છે ? મોદીએ સંસદની બેઠકમાં કહ્યું હતું કે, કોઈ સંદનને બાધિત કરીને દિલ જીતી ન શકે. તમામ દળોએ રાજનીતિક મતભેદોને અલગ રાખીને દેશની પ્રગતિની દિશામાં અથાક પરિશ્રમ કરવો જોઈએ. સરકાર હંમેશાં રાજનીતિક દળો દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાને ગંભીરતાથી સ્વીકારે છે અને બન્ને સદન રાષ્ટ્રીય મહત્ત્વના તમામ મામલા ઉપર ચર્ચા માટે તૈયાર છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે, કોઈપણ ગતિરોધ વિના સંસદની સુચારુ કાર્યવાહી સુનિશ્ચિત કરવા તમામ દળોમાં સર્વસંમતિ છે. જોશીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સ્વતંત્રરૂપથી સરકાર સાથે વાતચીત કરવા અને વિચારોનું આદાન - પ્રદાન કરવા 19 જૂનના સંસદમાં પ્રતિનિધિત્વ સાથે તમામ રાજનીતિક દળના અધ્યક્ષોને આમંત્રીત કર્યા હતા અને 20 જુનના બન્ને સદનોના સાંસદોને આમંત્રીત કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer