સરહદે ભારત-મ્યાંમારનું ઉગ્રવાદીઓ સામે ‘ઓપરેશન સનશાઈન’

સરહદે ભારત-મ્યાંમારનું ઉગ્રવાદીઓ સામે ‘ઓપરેશન સનશાઈન’
ઉગ્રવાદી સંગઠનોની છાવણીઓનો સફાયો: છ ડઝન શખસો દબોચાયા
નવી દિલ્હી, તા. 16 : ભારત અને મ્યાંમારની સેનાએ મણિપુર, નાગાલેન્ડ અને આસામમાં સક્રિય અલગ અલગ ઉગ્રવાદી સમૂહોને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી છે. જેમાં બન્નેએ પોતાના સરહદી વિસ્તારોમાં 16 મેથી ત્રણ અઠવાડિયા સુધી સામૂહિક અભિયાન ચલાવ્યું હતું. જેને ઓપરેશન સનસાઈન નામ આપવામાં આવ્યું હતું. કહેવાઇ રહ્યું છે કે ઓપરેશન સનસાઈન-2ની પહેલી કાર્યવાહી ભારત મ્યાંમાર સરહદે ત્રણ મહિના પહેલા કરવામાં આવી હતી. આ દરમિયાન પૂર્વોત્તર સ્થિત ઉગ્રવાદી છાવણીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. મ્યાંમાર ભારતના રણનીતિક પાડોશીમાંથી એક છે અને ઉગ્રવાદ પ્રભાવિત મણિપુર તથા નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં 1640 કિમી લાંબી સરહદ છે. ભારત સીમા રક્ષા માટે બન્ને દેશોની સેના વચ્ચે અસરકારક સમન્વય ઉપર ભાર મૂકતું આવ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે ઓપરેશન સનશાઈન-2 દરમિયાન ઉગ્રવાદી સમૂહોની છાવણીઓનો સફાયો કરવા માટે બન્ને દેશની સેનાઓએ એક-બીજાનો સહયોગ કર્યો હતો. જે ઉગ્રવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં કામતાપુર લિબરેશન ઓર્ગેનાઇઝેશન, એનએસસીએન, ઉલ્ફા અને નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડનો સમાવેશ થાય છે. વધુમાં અભિયાન દરમિયાન 6 ડઝન ઉગ્રવાદીને ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે બન્ને દેશો ગુપ્ત બાતમી અને જમીની સ્થિતિના આધારે અભિયાનનો આગામી તબક્કો શરૂ કરી શકે છે. આ અગાઉ 22-26 ફેબ્રુઆરી સુધી ઓપરેશન સનશાઈન-1 ચલાવવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer