કાશ્મીરમાં મોટા આતંકી હુમલાની ભીતિ : પાકિસ્તાને આપી બાતમી

કાશ્મીરમાં મોટા આતંકી હુમલાની ભીતિ : પાકિસ્તાને આપી બાતમી
અલ કાયદા મુસાની હત્યાનો બદલો લેવા માગતું હોવાની જાણકારી અમેરિકા-ભારતને આપી
ઈસ્લામાબાદ, તા. 16 : જમ્મુ અને કાશ્મીરમાં અલકાયદા આતંકવાદી જાકિર મુસાના એન્કાઉન્ટરનો બદલો લેવા માટે મોટા આતંકી હુમલાની ફિરાકમાં છે. જેને લઈને કાશ્મીરમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરમાં પુલવામા જેવા આતંકી હુમલાની બાતમી પાકિસ્તાન તરફથી ભારત અને અમેરિકાને આપવામાં આવી હતી. જેના પગલે કાશ્મીરમાં જવાનોની તૈનાતી વધારવા પણ કહેવામાં આવ્યું છે. જ્યારે રાજમાર્ગો ઉપર કાશ્મીર પોલીસ દ્વારા પુરતી દેખરેખ રાખવામાં આવી રહી છે.
પાકિસ્તાન તરફથી ભારત અને અમેરિકાને આઈઈડી હુમલો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સુચના મળતાની સાથે જ સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાને કહ્યું હતં કે, આ આતંકવાદી હુમલો દક્ષિણ કાશ્મીરમાં થઈ શકે છે. આ ઉપરાંત પાકિસ્તાને ફિદાયીન હુમલા અંગે પણ સતર્ક રહેવા કહ્યું છે.
બીજી તરફ શીર્ષ સુત્રોના કહેવા પ્રમાણે ભારતના વિરોધ અને આતંક સામે આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે પાકિસ્તાન તરફથી દેખાડો કરવામાં આવી રહ્યો છે.  નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું કે, હુમલા અંગેની જાણકારી રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં જોડાયેલા તમામ સુરક્ષા દળોને આપવામાં આવી છે. હાઈએલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે. જો કે આગામી અમરનાથ યાત્રાને ધ્યાને રાખીને સુરક્ષા દળો અગાઉથી જ એલર્ટ ઉપર છે. અધિકારીએ કહ્યું હતું કે, અલ કાયદા મુસાનીની હત્યાનો બદલો લેવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ જો ગુપ્તચર ઈનપુટ ન મળ્યા હોત તો પણ સુરક્ષા સાથે બાંધછોડનો સવાલ ઉઠતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer