ગાય ઉપર માલિકી હક અંગે કોર્ટનો અનોખો ચુકાદો

ગાય ઉપર માલિકી હક અંગે કોર્ટનો અનોખો ચુકાદો
જોધપુરમાં જે પક્ષકારનાં ઘર પાસે ગાય આવી તેના હકમાં આવ્યો નિર્ણય
જોધપુર, તા. 16: જોધપુરની અદાલતમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા એક અનોખા મુકદ્દમામાં શનિવારે ગાયના માલિકી હક મામલે ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો. ન્યાયાધીશે કોન્સ્ટેબલ ઓમપ્રકાશના હકમાં ચુકાદો આપતા ગાયનો માલિકી હક આપ્યો હતો. કેસ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટ કમિશનરે ગાયને છૂટી મૂકી હતી જેના પરિણામે ગાય ઓમપ્રકાશનાં ઘર પાસે આવીને ઉભી રહી હતી. જેને ધ્યાને લઈને ચુકાદો ઓમપ્રકાશની તરફેણમાં આપવામાં આવ્યો હતો.
ગાયના માલિકી હક અંગે એક વર્ષથી કોન્સ્ટેબલ ઓમપ્રકાશ અને પક્ષકાર શ્યામલાલ અધ્યાપક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. બન્ને પક્ષ પોતાની માલિકીનો દાવો કરી રહ્યા હતા. વિવાદ એટલો વકર્યો હતો કે મુકદ્દમો દાખલ થવાની સાથે જ ફાઈલ કોર્ટમાં પહોંચી હતી. આ સમયે ગાયને ગૌશાળામાં મોકલી દેવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે એક નવો નુસખો અપનાવતા ગાયને બન્ને પક્ષકારોનાં ઘરથી એક કિલોમીટરના અંતરે છોડી હતી. જ્યાંથી ગાય ઓમપ્રકાશનાં ઘર પાસે આવી હતી. ત્યારબાદ કોર્ટે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતને ધ્યાને લઈને ઓમપ્રકાશના હકમાં ચુકાદો આપ્યો હતો. જ્યારે શ્યામલાલ હવે આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer