આજે IMAની રાષ્ટ્રવ્યાપી હડતાલ

આજે IMAની રાષ્ટ્રવ્યાપી હડતાલ
દેશભરમાં બંધ રહેશે ઘઙઉ સુવિધા: દિલ્હીમાં ધરણા પ્રદર્શન
નવી દિલ્હી, તા. 16: પશ્ચિમ બંગાળમાં તબીબો ઉપર હુમલાની ઘટનાનો ગુસ્સો હજી પણ યથાવત્ છે. આઈએમએએ દેશભરમાં સોમવારે 24 કલાકની હડતાલનું એલાન કર્યું છે. જેનાથી તમામ પ્રકારની બીનજરૂરી સુવિધા બંધ રહેશે અને હોસ્પિટલમાં ઓપીડી સવારે 6 વાગ્યાથી બંધ રહેશે. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દિલ્હી સ્થિત આઈએમએ હેડક્વાર્ટરમાં ધરણા કરશે. જે સોમવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. ગયા સોમવારે પશ્ચિમ બંગાળની એનઆરએસ મેડિકલ કોલેજમાં એક દર્દીનાં મૃત્યુ બાદ પરિજનોએ બે જુનિયર ડોક્ટર ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ તબીબોએ હડતાલ શરૂ કરી હતી. તેવામાં મમતા બેનરજીએ તબીબો કામ ઉપર પરત ન ફરે તો કાર્યવાહીની ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો અને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શનને દેશભરના તબીબોનો સાથ મળ્યો હતો.
વિવાદ ગરમાયા બાદ શનિવારના રોજ મમતા બેનરજીએ ફરી હડતાલ પૂરી કરવાની અપીલ કરી હતી અને તમામ માગણી માન્ય રાખવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. મમતા બેનરજીએ એસ્મા ન લગાડવા પણ ખાતરી આપી હતી. 
અગાઉ મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર શાંતિપૂર્ણ સમાધાન માટેના પ્રયાસો કરી રહી છે અને હોસ્પિટલમાં તબીબો ઉપર હુમલા રોકવા માટેના માર્ગો અંગે પણ વિચારણા થઈ રહી છે. આ દરમિયાન તબીબોને હડતાલમાંથી પરત ફરવાની અપીલ કરવામાં આવી હતી. મમતા બેનરજીએ કહ્યું હતું કે, સમાધાન માટે તેઓએ પ્રશાસનિક અધિકારીઓ સાથે જુનિયર ડોક્ટરોની રાહ પણ જોઈ હતી પરંતુ કોઈ વાતચીત માટે આવ્યા નહોતા. આ ઉપરાંત સિનિયર તબીબો પણ વાતચીત માટે આગળ આવ્યા નથી. રાજ્ય સરકાર વાતચીત માટે હંમેશાં તૈયાર  છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer