પાકિસ્તાનનો કચ્ચરઘાણ કાઢી ભારતના 5 વિકેટે 336 રન

પાકિસ્તાનનો કચ્ચરઘાણ કાઢી ભારતના 5 વિકેટે 336 રન
રોહિત શર્મા સામે પાક. બોલરો નતમસ્તક: 140 રનની આતશી ઇનિંગ
સુકાની વિરાટ કોહલી (77) અને કેએલ રાહુલ (57)ની શાનદાર અર્ધસદી
પાક. તરફથી મોહમ્મદ આમિરની 3 વિકેટ
માંચેસ્ટર બન્યું મુંબઇ: ભારત માતા કી જય અને હિન્દુસ્તાન જિંદાબાદના નારાઓથી ઓલ્ડ ટ્રેફર્ડનું મેદાન ગુંજી ઉઠયું
માંચેસ્ટર, તા.16: વિશ્વ કપના  ક્રિકેટ મહાસંગ્રામમાં ભારતીય ટીમે રનનું રમખાણ સર્જીને પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે પ વિકેટે 336 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. જે વિશ્વ કપમાં પાક. સામેનો ભારતનો અત્યાર સુધીમાં સૌથી મોટો સ્કોર છે.  પાક. બોલરોનો કચ્ચરઘાણ કાઢીને રોહિત શર્માએ ધૂંઆધાર 140 રનની ઇનિંગ રમી હતી. તો કેપ્ટન વિરાટ કોહલીએ આકર્ષક 77 રન કર્યાં હતા. આ સિવાય ઓપનિંગમાં આવેલ કેએલ રાહુલે જવાબદારીભર્યાં પ7 રન બનાવ્યા હતા. જો કે વરસાદ બાદની આખરી ત્રણ ઓવરમાં ભારતની રન રફતાર થોડી ધીમી પડી હતી. આથી પ0 ઓવરના અંતે ભારત 336 રને અટકી ગયું હતું. પાકિસ્તાન તરફથી ફરી એકવાર મોહમ્મદ આમિરે જબરદસ્ત બોલિંગ કરીને 47 રનમાં 3 વિકેટ લીધી હતી. માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારતીય ચાહકોના હર્ષોલ્લાસ વચ્ચે સતત ભારત માતા કી જયના નાદ ગુંજી રહ્યા હતા. મેદાન પર બન્ને દેશના ચાહકો વચ્ચે સારો ભાઇચારો પણ જોવા મળ્યો હતો. મેદાન પર પણ ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે સારી ખેલભાવના દ્રષ્યમાન થતી હતી.
આજના આ મહાસંગ્રામમાં પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહેમદે ટોસ જીતીને ભારતને દાવ આપવાનો બંધ બાજીનો જુગાર ખેલ્યો હતો. જે સદંતર નિષ્ફળ રહયો હતો. ભારત તરફથી ઇન ફોર્મ ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનના સ્થાને ઓપનિંગમાં આવેલ કેએલ રાહુલે શાનદાર શરૂઆત કરી હતી. બન્નેએ સંભાળપૂર્વક ભારતની ઇનિંગ આગળ વધારી હતી. આ પછી રોહિત શર્માએ એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ શોટસ ફટકારીને સ્ટ્રોકફૂલ બેટિંગનો અદભૂત નજારો પેશ કર્યોં હતો. તેના પર પાક. સામેના હાઇ વોલ્ટેજ મેચનું જરા પણ દબાણ જોવા મળ્યું ન હતું. બીજી તરફ રાહુલે પણ તેની જવાબદારી બખૂબી નિભાવી જાણી હતી. બન્નેએ ભારતના 100 રન 17.પ ઓવરમાં કરી લીધા હતા. આ દરમિયાન મોહમ્મદ આમિર સિવાયના બાકીના તમામ પાકિસ્તાની બોલરો ધોવાઇ ગયા હતા.
લોકેશ રાહુલ તેની વર્લ્ડ કપની અને પાક. સામેની પહેલી અર્ધસદી પૂરી કરીને અંગત પ7 રને વહાબ રિયાઝના દડામાં બાબર આઝમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 78 દડાની જવાબદારી ભરી ઇનિંગમાં 3 ચોકકા અને 2 છકકા લગાવ્યા હતા. તેના અને રોહિત વચ્ચે પહેલી વિકેટમાં 136 રનની ભાગીદારી થઇ હતી. આ પછી ક્રિઝ પર વિશ્વ ક્રિકેટના બે મહારથી બેટધર રોહિત શર્મા અને સુકાની વિરાટ કોહલીનું પાકિસ્તાનની બોલિંગ-ફિલ્ડીંગ પર સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું હતું. બન્નેએ સીંગલ-ડબલ રનની સાથોસાથ બાઉન્ડ્રીઓ પણ ચાલુ રાખીને ભારતનું સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું. આ દરમિયાન રોહિત શર્માએ તેની વર્લ્ડ કપની સતત બીજી અને કુલ 24મી સદી 8પ દડામાં 9 ચોકકા અને 3 છકકાથી પૂરી કરી હતી. રોહિત સામે પાક. બોલરોની લાઇન લેન્થ અને ફિલ્ડરોની ફિલ્ડીંગ છિન્નભિન્ન થઇ ગઇ હતી. બીજી તરફ કોહલીએ કલાસ બેટિંગ ચાલુ રાખ્યું હતું. ભારતનો સ્કોર 234 રન પહોંચ્યો હતો ત્યારે રોહિત શર્મા હસન અલીની બોલિંગમાં સ્કૂપ શોટથી ચોકકો ફટકારવામાં રિયાઝના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 113 દડાની અદભૂત ઇનિંગમાં 14 ચોકકા અને 3 છકકા માર્યાં હતા. તેના અને કોહલી વચ્ચે બીજી વિકેટમાં 98 રનની આક્રમક ભાગીદારી થઇ હતી.
ચોથા ક્રમે પિંચ હિટર તરીકે પ્રમોટ થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 19 દડામાં 2 ચોકકા અને 1 છકકાથી 16 રનની સ્પીડી કેમિયો ઇનિંગ રમીને ભારતની રન રફતાર વધારી હતી અને પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડયું હતું. કોહલી-પંડયા વચ્ચે ત્રીજી વિકેટમાં પ1 રનની ભાગીદારી થઇ હતી. આ પછી ગ્રેટ ફિનિશર ધોની માત્ર 1 રને પાછો ફર્યોં હતો. આ દરમિયાન સુકાની વિરાટ કોહલીએ તેની પ1મી અર્ધસદી પૂરી કરી હતી. ભારતના 46.4 ઓવરમાં 4 વિકેટે 30પ રન થયા હતા ત્યારે વરસાદના વિધ્નને લીધે રમત અટકી ગઇ હતી. ત્યારે કોહલી 62 દડામાં 6 ચોકકાથી 71 રને વિજય શંકર 3 રને ક્રિઝ પર હતા.  લગભગ અરધી કલાક રમત બંધ રહયા બાદ ભારતની ટીમે પ0 ઓવરમાં પ વિકેટે 336 રન નોંધાવ્યો હતો. વરસાદની બાદની રમતમાં સુકાની કોહલી આમિરના શોર્ટ પીચ બોલમાં વિકેટ પાછળ કેચ આઉટ થયો હોત. તેણે 6પ દડામાં 7 ચોકકાથી 77 રનની લાજવાબ ઇનિંગ રમી હતી. જયારે વિજય શંકર 1પ દડામાં 1પ રને અને કેદાર જાધવ 8 દડામાં 9 રને અણનમ રહયા હતા.
સ્કોર બોર્ડ : ભારત: રાહુલ કો આઝમ બો. રિયાઝ પ7, રોહિત કો. રિયાઝ બો. હસનઅલી 140, કોહલી કો. સરફરાઝ બો. આમિર 77, હાર્દિક કો. આઝમ બો. આમિર 26, ધોની કો. સરફરાઝ બો. આમિર 1, શંકર નોટઆઉટ 1પ, કેદાર નોટઆઉટ 9, વધારાના 11, કુલ પ0 ઓવરમાં પ વિકેટે 336 રન.
વિકેટ ક્રમ: 136, 234, 28પ, 298, 314
બોલિંગ: આમિર: 10-1-47-3, હસન અલી: 9-0-84-1, રિયાઝ: 10-0-71-1, ઇમાદ: 10-0-49-0, શાદાબ ખાન: 9-0-61-0, મલિક: 1-0-11-0, હફિઝ: 1-0-11-0.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer