ગોંડલ પાસે કાર પલટી મારી જતા બે યુવાનનાં મૃત્યુ, ત્રણ ઘાયલ

ગોંડલ પાસે કાર પલટી મારી જતા બે યુવાનનાં મૃત્યુ, ત્રણ ઘાયલ
ગોંડલ રહેતા યુવાનો મોવિયા નાસ્તો કરી ગોંડલ તરફ આવી રહ્યા હતા ત્યારે કાર પલટી મારી જતા અકસ્માત
ગોંડલ, તા.16: અકસ્માત માટે જાણીતા બની ગયેલા ગોંડલ - મોવિયા રોડ પર  વરના કાર પલટી મારી જતા બે યુવાનોનાં મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે ત્રણ યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના મયંક કાંતિભાઈ માલવિયા (ઉ.વ.25, રહે લક્ષ્મણ નગર બસ સ્ટેન્ડ પાછળ), અર્જુન પ્રતાપરામ દુધરેજિયા (ઉ.વ. 25, રહે. ભોજરાજપરા), વિજય કાંતિભાઈ રામાણી (રહે. ભોજરાજપરા), સાગર વિનુભાઈ વિરડિયા (રહે. ભોજરાજપરા) તેમજ ઇન્દ્રજીતાસિંહ ભરતાસિંહ જાડેજા (રહે. વિક્રમાસિંહજી રોડ ગોંડલ) ગતરાત્રિના દોઢ વાગ્યે મોવિયા ગામથી નાસ્તો-પાણી કરી મયંકની વરના કારમાં બેસી ગોંડલ તરફ આવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ ના વળાંક પાસે કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મયંક તથા અર્જુનનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે વિજય, સાગર તથા ઇન્દ્રજીતાસિંહને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા પીએસઆઇ અજયાસિંહ જાડેજા તેમજ રાઇટર મદનાસિંહ ચૌહાણએ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનાર મયંક તથા અર્જુનના બંને પરિવારમાં એકના એક પુત્ર અને પરિવારના આધારસ્તંભ હતા.
અકસ્માત સમયે જ ગોંડલ નગરપાલિકાના એમ્બ્યુલન્સ ચાલક રસિકભાઈ ટીલાડા પાલિકાની એમ્બ્યુલન્સ લઈ ગોંડલ તરફ આવી રહ્યા હતા ત્યારે ઘાયલ યુવાનોને સત્વરે ખાનગી હોસ્પિટલે ખસેડી માનવતા બજાવી હતી. બનાવથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી
વળ્યું હતું.
------------
મોરબીમાં મોબાઈલ ટાવરોમાંથી બેટરીની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ક્ષ     46 બેટરી-બોલેરો જીપ કબજે
મોરબી, તા.16 : મોરબીમાં આવેલા મોબાઈલ ટાવરોમાંથી બેટરીની ઉઠાંતરી થતી હોવાની વ્યાપક ફરિયાદના પગલે પોલીસે બેટરી ચોરીનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે બાતમીના આધારે કેનાલ ચોકડી પાસેથી મૂળ સુરેન્દ્રનગરના ઉમરડા ગામના અને હાલમાં મોરબીમાં રપ વારિયા પ્લોટમાં રહેતા અને જીઓ કંપનીમાં નોકરી કરતા અશોક ગોવિંદ પંડિત નામના કોળી શખસને ઝડપી લઈ આકરી પૂછતાછ કરતા બેટરી ચોરીના ભેદ ઉકેલાયા હતા.
પોલીસે હાથધરેલી તપાસમાં અશોક પંડિત નામના કોળી શખસને ઇન્ડુસ કંપનીમાંથી રપ બેટરીની ચોરી કર્યાની કબૂલાત આપી હતી તેમજ સાગરિતોમાં ઉમરડા ગામનો અને હાલમા મોરબી રપ વારિયામાં રહેતો બોલેરો જીપનો ચાલક જનક જોરુ લીંબડિયા, મોરબીના મચ્છોનગરના વિજય થોભણ ભરવાડ તેમજ ચોરીનો માલ લેનાર મોરબીના મકરાણી વાસમાં રહેતા સુફિયાન ઓસમાણ ખોલેરા હોવાનું ખૂલતા ઝડપી લીધા હતા અને કુલ 46 ચોરાઉ બેટરી અને બોલેરો જીપ કબજે કરી હતી. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer