જૂનાગઢમાં $ 24.78 લાખની ચોરી

જૂનાગઢમાં $ 24.78 લાખની ચોરી
ઘરધણી ભાવનગર સગાની ખબર કાઢવા ગયા અને પાછળથી તસ્કરો ત્રાટક્યા: પાંચની નોટના બંડલ અને ચાંદીના દાગીનાને તસ્કરોએ હાથ ન અડાડયો
જૂનાગઢ, તા.16: જૂનાગઢના બસસ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલા એક મકાનનો નકુચો તોડી તસ્કરો રૂ.24.78 લાખનો દલ્લો ઉઠાવી ગયા હતા, જેમને ત્યાં ચોરી થઈ એ ઠાકર પરિવાર પોતાના એક સગાની ખબર કાઢવા ભાવનગર ગયા હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
એસ.ટી.બસસ્ટેન્ડ જેવા ભરચકક વિસ્તારમાં આવેલા સૂર્યનગરમાં બનેલી આ મોટી ચોરીના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે, જૂનાગઢના ક્રાઈમના ઈતિહાસમાં જે મોટી ચોરીઓ થઈ છે તેમાં આ ચોરીનો સમાવેશ થાય છે,એક જ રાતમાં થયેલી આ ચોરીમાં તસ્કરોએ અગાઉથી રેકી કરી આ વિસ્તારના હિલચાલ વિષે માહિતી મેળવ્યા બાદ અથવા કોઈ દ્વારા ટીપ્સ મેળવ્યા બાદ આ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
વિગત એવી છે કે બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલા સૂર્યનગરમાં રહેતા ભારતીબેન હિતેષભાઈ ઠાકર અને હિતેષભાઈ ઠાકર ગઈકાલે સાંજે ભાવનગર પોતાના એક સગાની ખબર કાઢવા માટે ગયા હતા.એ દરમિયાન ગઈકાલે રાત્રે જ તસ્કરો ત્રાટક્યા હતા.
મકાનના ફળિયાની દિવાલ ટપીને આવેલા તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશ્યા હતા, ઘરના એક રૂમમાં કબાટના લોક પણ તોડી નાખ્યા હતા, આ કબાટમાંથી 28 હજાર રોકડાં તેમજ સો ગ્રામનું સોનાનું બિસ્કીટ, મંગલસૂત્ર, સેટ, પાટલા, હાર, વિગેરે ઘરેણાં મળી કુલ રૂ.24.78 લાખની મતા ઉસેડી ગયા હતા.
દરમિયાન આજે સવારે ઘેર પરત આવેલા હિતેષભાઈએ દરવાજાનો નકુચો તૂટેલો જોતાં જ હોશકોશ ઉડી ગયા હતા અને તુરત જ ઘરમાં જઈને તપાસ કરતા કબાટનો લોક પણ તૂટેલો જણાયો હતો અને કબાટમાંથી બધી વસ્તુઓ વેરવિખેર પલંગ પર પડી હતી.
કબાટની અંદર તપાસ કરતા રોકડ રકમ, સોનાનું બિસ્કીટ, દાગીના વિગેરે ગાયબ હતા, જો કે રૂ.પાંચના બંડલમાં અને ચાંદીના દાગીનામાં જાણે તસ્કરોને રસ જ ન હોય તેમ એમ ને એમ પડયા હતા.
આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ એફ.એસ.એલ.ની ટીમ સાથે આવી પહોંચી હતી અને ફીંગરપ્રિન્ટ મેળવી તપાસ હાથધરી છે.આસપાસમાં ક્યાંય સીસીટીવી હોય તો તેના પણ ફૂટેજ લેવાની તજવીજ પોલીસે કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer