સૌ. યુનિ.માં પપ00 પાનાના ગ્રંથ ‘યશોલતા’ વિશે સેમિનાર

16મીથી ર9મી સુધી વર્કશોપ : કાશી-દક્ષિણ ભારતના સંસ્કૃતના પ્રકાંડ પંડિતો માર્ગદર્શન આપશે, પીએચડીના સ્ટુડન્ટ-પ્રોફેસરો લેશે માર્ગદર્શન
રાજકોટ, તા. 11: આગામી તારીખ 16મીથી ર9મી સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પપ00 જેટલા પાનાના સંસ્કૃત ગ્રંથ ‘યશોલતા’ પર વર્કશોપ યોજાશે. આ વર્કશોપમાં યશોલતા ગ્રંથ લખનાર મુનિરાજ ભક્તિયશ મ.સા. અને તેમના ગુરૂદેવ આચાર્ય શ્રી યશોવિજય સૂરિશ્વરજી મ.સા. પણ ઉપસ્થિત રહેશે.
આજે દેવભાષા બની ગયેલી સંસ્કૃત એક સમયમાં સામાન્ય લોકો દ્વારા બોલાતી હતી. જૈનાચાર્ય સર્વતંત્રસ્વતંત્ર શ્રી ધર્મદત્ત જ્હા દ્વારા આજથી આશરે 100 વર્ષ પહેલા ‘ગૂઢાર્થતત્વલોક’ નામે સંસ્કૃત ભાષામાં 4પ જેટલા પાનાનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથ સામાન્ય માણસો જ નહીં, સંસ્કૃતના મહાપંડિતો માટે પણ સમજવો અઘરો હતો. આ ગ્રંથ સમજવા માટે દિલ્હી-બનારસ જેવી યુનિવર્સિટીઓમાં પણ સેમિનારો યોજાઈ ગયા છે.
દરમિયાન ગુરૂદેવ આચાર્ય શ્રી યશોવિજય સૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિરાજ ભક્તિયશ મ.સા.એ ખુબ પ્રયાસ બાદ ગૂઢાર્થતત્વલોકનું સરળીકરણ કરવા પ્રયાસ કર્યો. જેની ફળશ્રુતિ રૂપે પપ00 જેટલા પાનાનો ‘યશોલતા’ ગ્રંથ ઉપલબ્ધ થયો. અગાઉના ગ્રંથમાં 900 જેટલા શ્લોક હતા. તે યશોલતા ગ્રંથમાં પૃથક્કરણ અને વિવરણ બાદ 9000 શ્લોકમાં ઉતારવામાં આવ્યો છે. આ ગ્રંથ સમજાવવા સ્વયં મુનિરાજ ભક્તિયશ મ.સા. તેમજ કાશી અને દક્ષિણભારતથી સંસ્કૃતના પંડિત આવશે.  જેને સમજનારા વર્ગમાં પ્રાધ્યાપકો, પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓ, પ્રબુધ્ધ લોકો ઉપસ્થિત રહેશે. 16મી જૂને સવારે 10થી 1ર દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાશે. ગુરૂદેવ 9 : 30 કલાકે યુનિવર્સિટી ખાતે પધારશે. આ તકે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer