ગરીબોને સારવાર માટેની સુવિધાનું અમૃતમ કાર્ડ બની રહ્યું છે દુવિધારૂપ !

4થી 5 કલાકે મળતું એપ્રુવલ ઈમરજન્સીના દરદી માટે ખતરારૂપ :  સુધારા-વધારા અને ખામીઓ દૂર કરવામાં સરકારની પાછી પાની !
રાજકોટ, તા.10 : ગરીબી રેખા હેઠળ જીવતા અને મધ્યમ વર્ગના કુટુંબોને ગંભીર બિમારીની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા 2012થી મુખ્યમંત્રી મા અમૃતમ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અત્યારે દુવિધારૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાનો લાભ તો મળી રહ્યો છે, પરંતુ કોઈને કોઈ કારણોસર એપ્રુવલ મળતા 4થી 5 કલાક જેટલો સમય લાગે છે, જે ઈમરજન્સીના દરદીઓ માટે અમુક સમયે ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે.
અમૃતમ યોજનાના કાર્ડના એપ્રુવલની પ્રક્રિયા ઓનલાઈન ગાંધીનગરથી થાય છે. પરંતુ ડિજીટલની વાતો કરતી સરકાર માત્ર સુવિધાઓ પુરી પાડીને બેસી રહે છે. પરંતુ તેમાં જરૂરી સુધારા-વધારા અને ખામીઓ દૂર કરવાની બાબતમાં હંમેશા પાછી પાની કરતી હોય તેવું જણાઈ આવે છે. મા અમૃતમ કાર્ડની આ દુવિધા અનેક દરદીઓની છે. દરદીઓના સગા દોડાદોડી કરે છે અને કાર્ડનું એપ્રુવલ ના મળે ત્યાં સુધી દરદીઓએ હાલાકી ભોગવવી પડે છે. મા અમૃતમ યોજનાનું કાર્ડ મળ્યા પછી દર ત્રણ વર્ષે કાર્ડ રિન્યૂ કરાવવું પડે છે. આ બાબતથી ઘણા અજાણ હોય છે અને રિન્યૂ ન કર્યુ હોય તો એ કાર્ડ બ્લોક બતાવે છે. ઘણા કિસ્સાઓમાં હોસ્પિટલ કાર્ડ એપ્રુવલ ન થતા દરદીની સારવારની જ ના પાડી દે છે.
રાજકોટની વોકહાર્ટ હોસ્પીટલમાં ગયેલા બગસરાના કેન્સરના એક દરદી ગીતાબેનને દરેક વખતે આવો અનુભવ થાય છે. આ અંગે દરદી ગીતાબેનના પતિ રતીભાઇ રાદડીયાએ જણાવ્યું હતુ કે, તેઓ પાંચમી વખત પોતાના પત્નિને કિમા થેરાપીની ટ્રીટમેન્ટ માટે રાજકોટ આવી ચુક્યા છે અને દરેક વખતે એડમીટ થતા પહેલા અને ડીસ્ચાર્જ સમયે મા અમૃતમ કાર્ડના એપ્રુવલમાં ચારથી પાંચ કલાક જેટલો સમય લાગે છે. જેના કારણે તેઓને રાજકોટથી ઉપડતી બસ-ટ્રેન ચૂકી જવાય છે. ચાર-પાંચ કલાકની સારવાર હોય છે. જેની સામે 30થી 32 કલાકનું રોકાણ હોસ્પિટલમાં થઈ જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer