16મીએ મનપાનું જનરલ બોર્ડ

16મીએ મનપાનું જનરલ બોર્ડ
ભાજપ-કોંગ્રેસના 19 કોર્પોરેટરોએ આવાસ, ગાર્ડન, એસ્ટેટ, ફાયરબ્રિગેડ શાખાને લગતા 36 પ્રશ્નો બોર્ડમાં મૂક્યાં
રાજકોટ તા.11 : મનપાની આગામી તા.16ના રોજ બોર્ડ બેઠક મળવા જઈ રહી છે. અત્યાર સુધીમાં આ બેઠક માટે ભાજપના 12 અને કોંગ્રેસના 7 મળી કુલ 19 કોર્પોરેટરો કુલ 36 પ્રશ્નો મૂક્યાં છે. પ્રથમ પ્રશ્ન ભાજપના વોર્ડ નં.9ના કોર્પોરેટર રૂપાબેન શીલુનો એસ્ટેટ શાખાને લગતો છે. શીલુએ એપ્રિલ-2019થી જગ્યા રોકાણ શાખા દ્વારા મંડપ, કમાન અને છાજલીની વસૂલાત કેટલી થઈ ? અને વસૂલાતના દર શું ? તેને લગતી વિગતો માંગી છે.
બીજો પ્રશ્ન કોંગી કોર્પોરેટર અને વિપક્ષના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો છે. જાડેજાએ વોર્ડ નં.11માં મનપાની માલિકીના રીઝર્વ પ્લોટમાંથી કેટલા પ્લોટ ગાર્ડન હેતુ માટે ફાળવાયાં ? આ વોર્ડમાં ગાર્ડનની સંખ્યા કેટલી ? મનપા પાસે પરિવહન તથા કામગીરી સબબના ખાનગી તેમજ માલિકીના વાહનો કેટલા ? વાહનોના વપરાશ પાછળનો માસિક ખર્ચ કેટલો ? તેમજ પ્રિ-મોન્સુન કામગીરીની વિગતો માંગવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન વોર્ડ નં.12ના કોર્પોરેટર સંજયભાઈ અજુડિયાનો છે. અજુડિયાએ ન્યુ ડેવલપ થતાં વોર્ડ માટે કેટલુ ફંડ આપવામાં આવે છે ? તેમજ પોતાના વોર્ડમાં અપૂરતા ફોર્સથી વિતરીત થતું પાણી અને સફાઈનો મુદ્દો છેડયો છે. ચોથા ક્રમે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ બાંધકામ, ગાર્ડન શાખાને લગતા પ્રશ્નો પૂછ્યાં છે.
ત્યારબાદ તબક્કાવાર જાગૃતિબેન ડાંગર, જયમીનભાઈ ઠાકર, જયાબેન ટાંક, મનસુખભાઈ કાલરિયા, અંજનાબેન મોરજરિયા, અશ્વિનભાઈ ભોરણિયા, મુકેશભાઈ રાદડિયા, વિજયાબેન વાંછાણી વગેરેએ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, આવાસ, બાંધકામ, વોટરવર્કસ, ડ્રેનેજ, રોશની, આરોગ્ય, ટાઉન પ્લાનીંગ શાખાને લખતા પ્રશ્નો રજૂ કર્યા છે. જો કે, એક કલાકની બોર્ડ બેઠકમાં દર વખતની જેમ માત્ર એકાદ-બે પ્રશ્નોની ચર્ચામાં જ બોર્ડનો સમય પૂર્ણ થઈ જતો હોય છે.
પ્રેક્ષક ગેલેરીના કડક નિયમો મુદ્દે મેયરનું આડકતરું મૌન
મનપાનું તા.16મીએ બોર્ડ મળી રહ્યું છે હવે તો પ્રેક્ષક ગેલેરીમાં લોકોને પ્રવેશ આપવા માટે સુપ્રિમ કોર્ટે પણ ફરમાન કરી દીધુ છે. નિયમ મુજબ પ્રેક્ષકોને હવે પ્રવેશ આપવો ફરજિયાત છે પરંતુ શાસકો કોઈ પણ જોખમ લેવા ઈચ્છતાં નથી. અગાઉ મ્યુનિ.તંત્રએ કોર્ટના આદેશનો સ્વીકાર તો કર્યો હતો પરંતુ સાથોસાથ પ્રેક્ષકો માટે કડક નિયમો પણ લાગૂ કરાશે તેવું જાહેર કર્યુ હતું પરંતુ એ નિયમો કયાં તે મુદ્દે હજુ મગનું નામ મરી પડયું હતું. આજસાંજે રાજકોટ મતદાર એકતા મંચના અશોક પટેલ સહિતના અગ્રણીઓ મેયર બિનાબેન આચાર્ય પાસે આ નિયમો જાણવા અને સૂચનો અર્થે ગયાં હતાં પરંતુ મેયર કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યાં ન હતાં. અહીં ઉલ્લેખનીય છે કે, મનપામાં વર્ષોથી બંધ પ્રેક્ષક ગેલેરીને ખુલ્લી કરાવવામાં રાજકોટ મતદાર એકતા મંચની કાનૂની લડતનું મુખ્ય યોગદાન રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer