ચોટીલા પંથકમાંથી વધુ એક લટકતી લાશ મળી

લાશ ચાણપા ગામની 14 વર્ષની કિશોરીની હોવાનું ખુલ્યુ: સાડીના બીજા છેડે ગાળિયો હતો: કિશોરી સાથે         કોઇ યુવક હોવાની શંકા
ચોટીલા, તા. 11: પ્રેમીપંખીડાઓ માટે આપઘાતનું હબ બની ગયેલા ચોટીલા પંથકમાંથી વધુ એક લટકતી લાશ મળી આવી હતી. નવાગામની સીમમાંથી મળેલી લાશ મૂળ ચોટીલાના પીપરાળીની અને હાલ ચાણપા ગામે રહેતી 14 વર્ષની કિશોરી કિરણ ગોરધનભાઇ લીંબડિયાની હોવાનું ખુલ્યું છે. સાડીથી બાંધીને ફાંસો ખાધેલી લાશના બીજા છેડે પણ ગાળિયો હોય અને સ્થળ પર બુટના નિશાન હોવાથી કિશોરી સાથે કોઇ યુવક હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
ચોટીલાના નવાગામની સીમમાં આવેલી વરસીંગભાઇ ભલાભાઇ કુનતિયાની વાડીમાં વડના ઝાડની ડાળી પર એક છોકરીની લાશ લટકતી હોવાની જાણ થતાં પીએસઆઇ  એચ.એલ. ઠાકર અને દેવાભાઇ રબારી  સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે સાડી બાંધીને ફાંસો ખાધેલી લાશ લટકતી હતી. સાડીના બીજા છેડે પણ ગાળિયો બનાવેલો હતો. સ્થળ પરથી છોકરીના ચપ્પલ, બુટ અને દુપ્પટો મળી આવ્યા હતાં. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને  મૃતકની ઓળખ મેળવવા કરાયેલા પ્રયાસ દરમિયાન લાશ મૂળ ચોટીલાના પીપરાળી ગામની વતની અને હાલ ચાણપા ગામે રહેતી 14 વર્ષની કિરણ ગોરધનભાઇ લીંબડિયાની હોવાનું ખુલ્યું હતું. આ કિશોરીને કોઇની સાથે પ્રેમ સંબંધ  હતો કે કેમ? તે ઘેરથી કયારે નિકળી હતી? તેની સાથે કોઇ નિકળ્યું હતું કે કેમ?કિશોરીને ગળાફાંસો દઇને હત્યા કરાય છે કે કેમ? તેના સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચોટીલાના વીડી અને જંગલ વિસ્તારમાંથી અવારનવાર પ્રેમીપંખીડાની લાશ મળી આવે છે. એકાદ માસ પહેલા એક પ્રેમીયુગલની લટકતી લાશનો વીડિયો વાયરલ થયો હતો. આ પ્રેમીયુગલના મૃતદેહની તેના પરિવારજનોએ અંતિમવિધિ પણ કરી નાખી હતી.  આ રીતે હવે ચોટીલા પ્રેમીપંખીડાના આપઘાતનું હબ બનતુ જાય છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer