120 રૂપિયાની લેતી દેતીના મુદ્દે આધેડની હત્યા કરનાર બે શખસને આજીવન કેદ

પાલિતાણા નજીક અનીડા ગામે ચારેક વર્ષ પહેલાના હત્યાના બનાવમાં કોર્ટનો ચુકાદો: રૂ.10 હજારનો દંડ પણ ભરવા હુકમ
ભાવનગર, તા.11: ભાવનગરના પાલિતાણા નજીક  અનીડા (કુંભણ) ગામ પાસે ચાર વર્ષ પૂર્વે રૂ.120ની લેતી-દેતીના મુદ્દે બે શખસોએ આધેડનું ગળુ દબાવી હત્યા કરી નાખવાના પ્રકરણમાં કોર્ટે બંને આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.10 હજારના દંડનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ગઇ તા.4/8/2016ના સાંજે 6 કલાકે આરોપી ચકુ રામજીભાઇ વાઘેલા (ઉ.વ.25 રહે. આંબલા, તા. સિહોર) અને રમેશ કરમશીભાઇ માથાસુળીયા (ઉ.વ.35 રહે. બજુડ ગામના પાટીયા પાસે, તા. સિહોર) તેમજ રાજુભાઇ વાઘેલા (કુંભણ) એ દુકાનદાર બાબુભાઇ પરમાર (રહે. કુંભણ) નામના વેપારી પાસેથી કોસ્મેટીકમાં વપરાતા કોલાની 5 બોટલ વેચાણથી લઇ અનીડા (કુંભણ) ગામેથી નિકળ્યા હતા.
દરમિયાન હત્યાનો ભોગ બનનાર દામજીભાઇ બચુભાઇ (રહે. આંબલા) સામે મળતા આરોપીઓએ દામજી સાથે મળી કોલા પીધા હતા.
બાદમાં બંને આરોપી ચકુ અને રમેશે દામજીભાઇ પાસેથી રૂ.120 માંગતા તેમણે પૈસા નહી આપતા ઉશ્કેરાયેલા બંને આરોપીઓએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું.  જેમાં રાજુભાઇ વચ્ચે પડતા તેને પણ મારવા દોટ મુકતા તે ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ તરફ આરોપીઓએ દામજીભાઇના છાતીના ભાગે માર મારી રમેશે તેમની છાતી પર બેસી અને આરોપી ચકુએ તેને ગળાચીપ આપી હત્યા કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે  રાજુભાઇ ચૌહાણની ફરીયાદ પરથી પાલિતાણા રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ  કેસ આજે ભાવનગરના બીજા એડીશનલ સેશન્સ જજ એમ.જે. પરાશરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકિલ બી.જે. ખાંભાલીયાની દલીલો, દસ્તાવેજી પુરાવા, મૌખીક પુરાવા વગેરે ધ્યાને લઇ બંને આરોપી ચકુ વાઘેલા અને રમેશ માથાસુળીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.10 હજારના દંડનો હુકમ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer