સાવરકુંડલામાં વેપારી પર હુમલો કરી 1 લાખની લૂંટ કરનાર બે શખસ ઝબ્બે

વેપારની રકમ લઇ ઘરે જતી વખતે વેપારીના સ્કૂટર પાછળ બાઇક અથડાવી લૂંટ ચલાવી’તી
અમરેલી, તા.11: વીસેક દિવસ પહેલાં સાવરકુંડલાના એક પાન-બીડીના હોલસેલ વેપારીને માથાના ભાગે લાકડીનો ઘા મારી વેપારના રોકડા રૂા.1 લાખની લૂંટ ચલાવનારા સાવરકુંડલાના બે શખસોને આજે અમરેલી એલસીબી પોલીસે લૂંટની રકમ સાથે ઝડપી લીધા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ ગઇ તા.20-5ના સાવરકુંડલામાં પાન-બીડી- સોપારીની હોલસેલની દુકાન ધરાવતાં અશોકભાઇ મોહનભાઇ છાંટબાર (ઉ.વ.63) નામના વેપારી રાત્રીના નવેક વાગ્યે  પોતાની દુકાન બંધ કરેલ હતી. બાદમાં આખો દિવસનાં વેપારની રકમ રૂા.1 લાખ થેલામાં નાખી એક્ટિવા પર ઘરે જતાં હતાં ત્યારે ગર્લ્સ સ્કૂલ પાસે પહોંચતા બે અજાણ્યા શખસોએ પાછળથી બાઇક અથડાવી માથાના ભાગે લાકડીનો ઘા મારી રૂા.1 લાખની રકમ સાથેના થેલાની લૂંટ કરી નાસી ગયા હતાં. આ અંગે ફરિયાદ સા.કુંડલા સિટી પોલીસમાં નોંધાઇ હતી. જેમાં અમરેલી એલસીબી પીઆઇ ડી.કે.વાઘેલાની ટીએ અમન ઇકબાલ પરમાર (ઉ.વ.20), આફતાબ અનુ ઉર્ફે અનવર કુરેશી (ઉ.વ.21) રહે. બન્ને સાવરકુંડલા, પઠાણ શેરી)ને ઝડપી લઇ લૂંટની રોકડ રકમ રૂા.25 હજાર તેમજ લૂંટમાં વાપરેલ બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer