સફાઇ કામદારોને ત્રણ-ત્રણ મહિનાથી પગાર નહીં ચૂકવાતા અરવલ્લી કલેકટર સામે દેખાવો

સફાઇ કામદારોને ત્રણ-ત્રણ મહિનાથી પગાર નહીં ચૂકવાતા અરવલ્લી કલેકટર સામે દેખાવો
સફાઇ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા
મોડાસા, તા.11: અરવલ્લી જિલ્લામાં સેવા સદનમાં કોન્ટ્રાકટ પધ્ધતિ હેઠળ એજન્સી મારફતે ફરજ બજાવતાં કર્મચારીઓનો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતાં અને સફાઇ કામદારોનું  શોષણ થતાં સફાઇ કામદારોએ હડતાલનું શત્ર ઉગામી હડતાલ પર ઉતર્યા છે. 8 દિવસથી હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ ન્યાય માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા જતાં પહેલા પોલીસતંત્રએ અટકાયત કરી જૂની જિલ્લા પોલીસ વડાની કચેરીએ લઇ જવામાં આવતા કર્મચારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. જિલ્લા સેવાસદનમાં કોન્ટ્રાકટ પધ્ધતિ હેઠળ ફરજ બજાવતા સફાઇ કામદારોની હડતાલના આઠમાં દિવસે પોલીસે 12 લોકોની અટક કરી છે. છેલ્લા સાત દિવસથી તેમના  પડતર પ્રશ્નો સહિત પગાર મુદ્દે તમામ સફાઇ કર્મીઓ ગાંધીજીના માર્ગે લડત ચલાવી રહ્યાં હતાં જોકે તંત્ર તરફથી કોઇપણ પ્રકારની માગ સંતોષવામાં નથી આવી. અનેક રજૂઆત અને કલેકટરને આવેદન પત્ર આપવા છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં સફાઇ કામદારો કલેકટર કચેરીએ અચોક્કસ મુદતની હડતાલ પર બેસી ગયાં હતાં. પોલીસે અટકાયત કરતાં વાલ્મીકિ સમાજના આગેવાન લાલજી ભગત દોડી આવ્યા હતા અને તેમના જણાવ્યા મુજબ હવે હક્કની લડત માટે ઉગ્ર આંદોલન કરવાની સાથે જ આગામી સમયમાં અન્ન જળનો ત્યાગ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer