‘િસંહોના સંવર્ધન-સંરક્ષણનું કામ ઝડપથી પૂર્ણ કરો’

‘િસંહોના સંવર્ધન-સંરક્ષણનું કામ ઝડપથી પૂર્ણ કરો’
સરકારે ફાળવેલા 350 કરોડના પેકેજની કામગીરી સમયમર્યાદામાં પૂરી કરવા મુખ્યમંત્રી રૂપાણીની વનતંત્રને તાકીદ
ગેરકાયદે લાયન શો અટકાવવા, ડ્રોનથી નજર રાખવા, ઇલેક્ટ્રિકલ વાહન ચલાવવા સૂચના આપી
જૂનાગઢ, તા.11: સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકારે ફાળવેલા રૂા.350 કરોડના પેકેજની તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વનસત્તાવાળાઓને તાકિદ કરી હતી.
સાસણ ખાતે આજે સવારે રૂપાણીના અધ્યક્ષ સ્થાને વનવિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વનમંત્રી ગણપતભાઇ વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં. મુ.મંત્રીએ જણાવ્યું કે, સિંહએ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે અને ગુજરાત પ્રવાસન પ્રવૃત્તિમાં પણ સાસણ ગીર અભ્યારણ્ય અને સિંહ આગવું મહત્વ ધરાવે છે.
પરિણામે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં આવતા પર્યટકો વધુમાં વધુ સિંહ દર્શન કરી શકે તે માટે  દેવળિયા પાર્ક અને આંબરડીમાં યોગ્ય વ્યવસ્થા વનવિભાગ ઉભી કરે, આંબરડીમાં સિંહદર્શન માટે જરૂરી વાહનની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. ઉપરાંત સિંહ સદનને અદ્યતન સુવિધાયુક્ત બનાવવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગીરના વન અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલ વાહનની જગ્યાએ પ્રવાસીઓ માટે ઇલેકટ્રીકથી ચાલતા વાહનોની વ્યવસ્થા જોવા ખાસ અનુરોધ કર્યો હતો. ગીર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન અટકે તે માટે પણ સઘન પગલાં લેવા વન અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં વન વિભાગ દ્વારા મુ.મંત્રી સમક્ષ રૂા.350 કરોડના લાયન પેકેજ અંતર્ગત થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
મુ.મંત્રીએ લાયન પેકેજની વિવિધ અગત્યની લાયન હોસ્પિટલ, સિંહો માટે સઘન સારવાર કેન્દ્ર, સિંહો માટે અન્વેષણ,  સંશોધન અને નિદાન કેન્દ્ર, ડ્રોનથી નિગરાની, રેડિયો કોલરથી નજર, વન્યપ્રાણીઓના રેસ્કયુ માટે આધુનિક લાયન એમ્બ્યુલન્સ વાન, સિંહો માટે કોરેન્ટાઇન સેન્ટર, શેત્રુંજી ડિવિઝનની રચના, વેટરનરી કેડરની સ્થાપના આઇ.સી.યુ. સારવાર કેન્દ્ર વિગેરેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં વનવિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી ડો.રાજીવકુમાર ગુપ્તા, અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.એમ. શર્મા, મુખ્ય વન સંરક્ષકો ડી.ટી.વસાવડા, પ્રદિપસિંહ, નાયબ વન સંરક્ષકો પુરૂષોત્તમ, સુશ્રી રાજ સંદિપ, ધીરજ મિલત, પ્રિયાંક, સુનિલ ગરેવાલ, ડો.રામ મોહન, રામરતન નાલા સહિતના ઉપસ્થિત હતાં.
---------------
નિરીક્ષણ હેઠળના તમામ સિંહોનું  એક જ સ્થાનેથી થશે મોનિટરિંગ
વન વિભાગના કર્મચારીઓને ટેબ્લેટ વિતરણ
જૂનાગઢ, તા.11: સિંહ સહિતના વન્ય પ્રાણીઓ અને જંગલના સંરક્ષણ-સંવર્ધન માટે ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી હવે વનતંત્ર વર્લ્ડ ટેકનોલોજીના માધ્યમથી નિરીક્ષણ હેઠળના સિંહો, વનકર્મીઓ તથા વાહનો સહિતનું એક જ સ્થળેથી મોનિટરિંગ માટે રૂપાણીએ સેન્ટરને ખુલ્લું મુકયું હતું.
ગીર હાઇટેક મોનિટરિંગ સેન્ટરને ખુલ્લું મુકતા રૂપાણીએ જણાવ્યું કે, ડિજિટલ વાયરલેસથી ગીરમાં ફરજ બજાવતા તમામ વન કર્મચારીઓનું લોકેશન જાણી શકાશે તેમજ પ્રવાસીઓની જીપ્સી સહિત વન વિભાગના તમામ વાહનોને જીપીએસ સિસ્ટમથી ટ્રેક કરાશે.
સાસણમાં આ એક એવું સેન્ટર છે કે જ્યાંથી ગીર અને આસપાસના જંગલ વિસ્તારમાં નિરીક્ષણ હેઠળ મુકેલા તમામ સિંહોનું એક જ સ્થળેથી મોનિટરિંગ થશે તેમજ તમામ એક્ટિવિટી અને વર્તનનો અભ્યાસ કરી શકાશે. આ થીમ સિંહના સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરશે તેમજ વનવિભાગમાં 1000 જેટલા ટેબ્લેટ કર્મચારીઓને આપવાનું આયોજન હાથ ઉપર લેવાયું છે. આજે પ્રતિકાત્મક રીતે કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer