વાવાઝોડાંના પગલે સૌરાષ્ટ્ર સતર્ક: એનડીઆરએફ તૈનાત

વાવાઝોડાંના પગલે સૌરાષ્ટ્ર સતર્ક: એનડીઆરએફ તૈનાત
અનેક ગામોને અપાયું હાઈએલર્ટ : દરિયા કાંઠાના ગામોના લોકોનું સ્થળાંતર ચાલુ: પોરબંદરની 15 બોટ અને 45 માછીમારો હજુ પણ સમુદ્રમાં
આફતને પહેંચી વળવા તંત્ર સજ્જ: શાળા ઈમારતો ખાલી રખાઈ, સંખ્યાબંધ એસ.ટી. બસ તૈનાત રાખવામાં આવી
રાજકોટ, તા. 11 : ‘વાયુ’ વાવાઝોડાંને પહેંચી વળવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી છે અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. તમામ બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં બહારના રાજ્યોમાંથી પણ એનડીઆરએફના જવાનો તૈનાત કરાયા છે. જ્યાં વાવાઝોડાંની સૌથી વધારે અસર થવાની સંભાવના છે તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે અને અન્ય ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ માછીમારોને બોટ સાથે પરત બોલાવી લેવાયા છે. જો કે, પોરબંદરની 1પ બોટ અને 4પ બોટ હજી પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે.  લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી સાથે શાળાઓની ઈમારતો ખાલી રાખવામાં આવી છે અને સંખ્ય-ાબંધ એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયાકાંઠાના 39 ગામના 5900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, તો 160થી વધુ બોટ અને 4000 જેટલા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની ટીમને મોરબીમાં તૈનાત કરાઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તો હાલ અમરેલીના દરિયામાં મોજા ઉંચે ઉછળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ગીર સોમનાથના 40 ગામોને એલર્ટ કરાયા છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળના 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ પર તંત્ર નજર રાખી રહ્યું છે.  આ માટે એનડીઆરએફની ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. તો બીજી તરફ જોડીયા અને જામનગર ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.
 કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમ જખૌ બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના જોખમને પગલે મજુરોને વ્યવસ્થિત અને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે. ગાંધીનગરની બે એનડીઆરએફની ટીમ નલિયા અને કંડલા જશે.દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ મુજબ લોકો અને વહીવટી તંત્રને સૂચિત કરાશે.
અમરેલીના અહેવાલ મુજબ 700 જેટલી બોટ જાફરાબાદ લાંગરી દેવામાં આવી છે. જાફરાબાદના 11, રાજુલાના 12 સહિત 23 ગામોને હાઈએલર્ટ  કરવામાં આવ્યા છે. 60 એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મોરબીથી મળતા અહેવાલ મુજબ, મોરબી જિલ્લાના કુલ 348 ગામ પૈકી 39 ગામો અને તેના પ3પ3 નાગરિકોના સ્થળાંતર માટેની તમામ તૈયારી કરી લેવાઈ છે. આ માટે 48 સ્કૂલો અને પાંચ આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ, જ્ઞાતિ-સમાજની વાડી વગેરે ખાલી રાખવામાં આવ્યા છે. સિરામિક એસોસિએશનને તકેદારી માટે અપિલ કરી છે. મોરબીનું ફાયર બ્રિગેડ 40ના સ્ટાફ સાથે સ્ટેન્ડ ટુ થઈ ગયું છે. ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા સહિતનો સ્ટાફ પરિસ્થિતિને પહેંચી વળવા તૈનાત છે.
જામનગરથી મળતા અહેવાલ મુજબ, કલેક્ટર રવિશંકર રજા ઉપર ગયા હતા પણ રજા રદ્દ કરીને તે પરત આવી ગયા છે અને તમામ સ્થિતિની સમીક્ષા કરી છે. જામનગર અને જોડીયા માટે એનડીઆરએફની બે ટીમ આવી પહેંચી છે. માછીમારોને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. પોરબંદરમાં વાવાઝોડાંમાં લોકોને મદદ કરવા માટે પોરબંદર જિલ્લા યુવા ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે રહેશે અને આ માટે એક મિટીંગ પણ કરી હતી. પોરબંદરમાં પાલિકા તંત્ર પણ સુસજ્જ છે. પાલિકાના ચીફ ઓફિસર હુદડે લોકોને જર્જરિત મકાનોથી દૂર રહેવા, સમુદ્રથી દૂર રહેવા સૂચના આપી છે. અહીં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સેલ્ટર હોમ, શાળા, કોલેજના બિલ્ડીંગો વગેરેમાં સહયોગ આપવા કલેક્ટર મુકેશ પંડયાએ અપિલ કરી છે. પોરબંદરની ચોપાટી 1પ તારીખ સુધી લોકો માટે બંધ કરી દેવામાં આવી છે.
ખંભાળીયાના અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરના માર્ગદર્શનમાં એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને ત્રણ આશ્રય સ્થાનો આરક્ષિત રખાયા છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો તમામ સ્થળોએ મોકુફ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાંને પગલે કોડીનારનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોડીનાર, માઢવાડ, કોટડા, વેલણ, મૂળ દ્વારકા સહિતની દરિયાઈ પટ્ટીના ગામોના લોકો સાથે સતત સંપર્ક થઈ રહ્યો છે.
જૂનાગઢથી મળતા અહેવાલ મુજબ, જૂનાગઢનું વહિવટી તંત્ર સાબદું બની ગયું છે. એનડીઆરએફની એક ટીમ જૂનાગઢ પહોંચી છે જ્યારે એક ટીમને કેશોદ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માંગરોળ તાલુકાના ખોડાદા, શેરીયાજ, આરેણા, શાપુર, માંગરોળ, લોએજ, આંત્રોલી જેવા ગામોમાં અને માળીયા હાટીનાના ગામોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. બોટાદમાં પણ ડિઝાસ્ટરની મિટીંગ કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી. દીવમાં પણ ભારે પવન અને ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. દીવમાં તમામ તંત્રના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની સાથે કોસ્ટગાર્ડ પણ સ્ટેન્ડબાય રહેશે. દીવમાં કંટ્રોલરૂમ નંબર 0287પ 2પ2081, 2પ2111 આપવામાં આવ્યા છે.ભાવનગરમાં પણ તંત્ર એલર્ટ છે અને શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ઘો-ઘો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.
સુરતમાં પણ નવસારી કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હતી અને સમીક્ષા કરી હતી. શહેરમાં ગણેશ બિચ અને ડુમસ બિચ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માંગરોળના અહેવાલ મુજબ, તમામ 14પ2 બોટ અને પ3પ નાની હોડીઓ પાછી ફરી ગઈ છે. વાવાઝોડાંની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ આવી પહેંચી છે. વડોદરાના અહેવાલ મુજબ, વડોદરાથી એનડીઆરએફની 11 ટીમ સૌરાષ્ટ્ર માટે રવાના કરી દેવામાં આવી છે. આ તમામ ટીમ આધુનિક સાધનોથી સજ્જ છે. મહારાષ્ટ્રના પુણે અને ભટીંડાથી પણ પાંચ ટીમો આવી છે. દરમિયાન જામનગર જિલ્લાના 2પ ગામોમાંથી લોકોને સ્થળાંતર કરવા 100 એસ.ટી. બસ મૂકવામાં આવી છે. હૈદરાબાદથી એનડીઆરએફની બે ટુકડી 30 ટન સામગ્રી સાથે રવાના થઈ છે. તેમજ સંરક્ષણની ત્રણેય વિંગને એલર્ટ કરવા સાથે જરૂર પડયે લોકોની મદદ માટે હેલિકોપ્ટર પણ તૈયાર રખાયું છે. અમરેલી જિલ્લા કલેકટરે રાજુલાના 13 અને જાફરાબાદના 10 મળી 23 ગામોને હાઈએલર્ટ જાહેર કર્યા છે.
ભાવનગર આસિસ્ટન્ટ કલેકટર ડો. રાજેન્દ્ર પટેલે તળાજા, ધોધા, મહુવાના 33 ગામો હાઈએલર્ટ પર જાહેર કર્યા છે. કાળા તળાવ, હાથબ, નર્મદ, કોળિયાક, જસવંતપુર, ગણેશગઢ વગેરે ગામોનો સમાવેશ થાય છે. દરિયાકિનારાના હાઈએલર્ટવાળા ગામડાઓમાં બપોરબાદ સ્થળાંતર કરાવવામાં આવશે. અલંગ શીપ યાર્ડમાં શ્રમિકો પાસે જહાજોનું કટીંગ નહીં કરાવવા આદેશ અપાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer