બંગાળમાં આગળ વધતો રાજકીય હત્યાનો સિલસિલો

બંગાળમાં આગળ વધતો રાજકીય હત્યાનો સિલસિલો
ઉત્તર 24 પરગણાનાં ગામે દેશી બોમ્બ ઝીંકાયો: બે મૃત્યુ
ભાજપ અને સંઘના કાર્યકરોના મૃતદેહ ઝાડ પર ટીંગાયેલાં મળ્યાં
કોલકાતા, તા. 11: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બરાકપોરમાં કાંકીનારા ખાતે ગઈ રાતે 10ાા કલાકના સુમારે એક ઘર સામે અજાણ્યા તોફાની તત્ત્વોએ બે દેશી બોમ્બ ફંગોળતા થયેલા ધડાકામાં બે જણા માર્યા ગયા હતા અને 4 જણા ઘાયલ થયા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પછી તરત શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ચાલેલા હિંસક ઘર્ષણો પછીની આ તાજી ઘટના છે. દરમિયાન રાજ્યમાં અન્યત્ર, ભાજપના એક કાર્યકર અને આરએસએસના કાર્યકરનો મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યાના બે બનાવો બન્યા હતા. કાંકીનારાની ઘટનાને પગલે તે વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સની ટીમ તૈનાત કરી દેવાયા સાથે સલામતી કડક બનાવાઈ હતી અને સ્થાનિક પોલીસે બનાવની તપાસ આદરી છે. હુમલા પાછળના ઇરાદાની વિગતો કે તેની પાછળ કોનો હાથ છે તે વિશે જાણવા મળતું નથી.
હાવડા જિલ્લાના આમટામાંના સરપોટા ગામે સમાતુલ દોલુઈ નામના ભાજપી કાર્યકરનું શબ ઝાડ પર ગઈ કાલે લટકતી દશામાં મળી આવ્યું હતું. જયશ્રી રામ રેલીઓ સામેલ થવા સબબ દોલુઈને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને ચૂંટણી બાદ તરત તૃણમૂલના લોકોએ તેનાં ઘર પર તોડફોડ કરી હતી, એમ હાવડા ભાજપના અધ્યક્ષે જણાવ્યું હતું. દોલુઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો હતો ત્યારે કેટલાક તોફાનીઓ શબ આંચકી લેવા પ્રયાસ કરતા ગ્રામજનોના વિરોધ બાદ આરએએફ તૈનાત કરાઈ હતી. તે પહેલાં રવિવારે આરએસએસના સ્વદેશ મન્ના નામના કાર્યકરનો મૃતદેહ અતચટા ગામે વૃક્ષ પર લટકતી હાલમાં મળી આવ્યો હતો.
---------
તૃણમૂલના 8, ભાજપના 2 કાર્યકરના મૃત્યુ થયાનો મમતાનો દાવો
કોલકાતા, તા.11: લોકસભા ચૂંટણી દરમિયાન અને તે પછી પશ્ચિમ બંગાળમાંની હિંસામાં થયેલી ખુવારી વિશેની વિગતો આજે જાહેર કરતા રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યુ હતું કે તૃણમૂલ કોંગ્રેસના 8 અને ભાજપના બે સહિત દસ જણા માર્યા ગયા હતા, તેઓના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. અહીંની વિદ્યાસાગર કોલેજમાં રાજકીય કાર્યકરોએ આચરેલી હિંસક તોડફોડમાં ધ્વસ્ત થયેલી 19મા સૈકાના સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી અર્ધપ્રતિમાનું ય તેમણે અનાવરણ કર્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer