જળ‘વાયુ’ જોખમ

જળ‘વાયુ’ જોખમ
આજે મધરાતે ‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના સાગરતટે ટકરાશે
વાવાઝોડું 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થશે
વેરાવળથી વાવાઝોડાનું અંતર ઘટયું, ગુજરાતની નજીક પહોંચ્યું : તમામ બંદરે 2 નંબરનું સિગ્નલ
NDRFની ટીમો તૈનાત : સ્થળાંતર માટે શાળા, કોલેજ, વાડીઓ ખાલી રખાવવા કવાયત
નલવખી બંદરેથી 5900 લોકોનું અને મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર
અમદાવાદ, તા.11: ગુજરાત નજીક સમુદ્રમાં ઉદ્દભવેલું ‘વાયુ’ નામનું વાવાઝોડું આવતીકાલ તા.12મીને બુધવારે મધરાતના ત્રણ વાગ્યાની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાશે. વાવાઝોડાંના પગલે 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને પાંચ થી સાત ઈંચ સુધી વરસાદ વરસવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થશે. દરમિયાન આજે સાંજે સાવધાનીના પગલાંરૂપે જખૌ, માંડવી બીચ, કંડલા બંદરમાંથી સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. બીજીબાજુ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ‘વાયુ’ ચક્રવાતથી સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી સાવચેતીની કાર્યવાહીની સમીક્ષા કરી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી આવેલી પાંચ ટીમો પણ સામેલ છે. દરેક જિલ્લા ડેપોએ એસ.ટી.બસ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે અને સ્થળાંતરની જરૂર પડે તો શાળા-કોલેજ, વાડીઓ પણ ખાલી રખાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ મોરબીમાં ઝુંપડાંમાં રહેતા પરપ્રાંતીયો અને નવલખી બંદરેથી પાંચ હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, 13 જૂનના વહેલી સવારે વાયુ વાવાઝોડું પોરબંદર મહુવાને હીટ કરીને વેરાવળ અને દીવ વચ્ચેથી ક્રોસ કરશે અને વાવાઝોડાની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જેના પગલે સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળથી વાયુ વાવાઝોડાનું અંતર જે 740 કિલોમીટર હતું તે હવે ઘટીને 680 કિલોમીટર થયું છે.
તેમણે કહ્યું કે, વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે અને જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ વરસાદનું જોર પણ ઘટતું જશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડું સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારા જેવા કે ભાવનગર, અમરેલી, દીવ, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ અને કચ્છને અસર કરશે.
જયંત સરકારે વધુમાં જણાવ્યું હતુ કે, અમે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. અમે સરકારને આ અંગેની માહિતી આપી દીધી છે અને સરકારે તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે, ગયા વખતે નિલોફર જેમ પાકિસ્તાન તરફ ફંટાયું હતું તે આ વખતે વાયુ બીજી દિશામાં ફંટાય એવી શક્યતા નથી. સાથે સાથે વાવાઝોડાના પગલે ગુજરાતમાં વરસાદ પાછો ઠેલાય તેવી શક્યતા છે.
બીજી તરફ મોરબીમાં સજ્જ થયેલા તંત્રે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર કર્યું છે તો નલવખી બંદર પાસેથી પાંચ હજાર લોકોનું સ્થળાંતર કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
------------
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને કાલે શાળા અને કોલેજોમાં રજા જાહેર
વાયુ વાવાઝોડું તીવ્ર બનવાની સંભાવનાના કારણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તા.12 અને 13 જૂનના રોજ ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો તથા અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. જો કે  આ તમામ શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફને તેઓના મુખ્ય મથક ન છોડવા અંગેની પણ સૂચના આપવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્રને પૂર્ણ સહાયરૂપ થવા સૂચના અપાઇ છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer