2018માં કુંવરજી બાવળિયાની જીતને હાઇકોર્ટમાં પડકારાઇ

અમદાવાદ, તા.11: 20 ડિસેમ્બર, 2018ના રોજ યોજાયેલી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. અપક્ષ ઉમેદવાર માધુ નિરૂપા નટરવરલાલે રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની જીતને હાઇકોર્ટમાં પડકારતા ઉમેદવારીપત્રમાં કેટલીક તકનિકી ખામીઓ હોવાનો આરોપ લગાવ્યો છે. કુંવરજી બાવળિયા તરફથી સમયની માગણી કરાતા કેસની વધુ સુનાવણી  તા.19 જૂનના રોજ નિયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે  કે, કુંવરજી બાવળિયા જુલાઇ, 2018માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા જેના પગલે જદસણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ હતી ત્યારબાદ 23 ડિસેમ્બરે યોજાયેલી મતગણતરીમાં કુંવરજી બાવળિયા 19,985 મતની સરસાઇથી કોંગ્રેસના અવસર નાકિયા સામે વિજયી થયા હતા. જો કે પાર્ટી ઇન પર્સન તરીકે નિરૂપા નટવરલાલ માધુએ હાઇકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે કે, ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાના ઉમેદવારીપત્રક અને સોગંદનામામાં કેટલીક ભૂલો થઇ હતી. ચૂંટણીના શોરબકોર વચ્ચે પણ આ અંગે તેમણે ચૂંટણી અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું પરંતુ ચૂંટણી અધિકારીઓએ તેમની રજુઆત સાંભળી નહોતી.  તેમની રજુઆત હતી કે, બાવળિયાનું ઉમેદવારીપત્ર ભૂલભરેલું હોવાથી તેમનું ફોર્મ રદ થવું જોઇએ છતાં બાવળિયાનું ઉમેદવારીપત્ર રદ ન કરવાનું ચૂંટણી અધિકારીઓનું વલણ રહ્યુ ંહતું, જે યોગ્ય ન હતું. અરજદારની માગણી છે કે, જસદણની પેટા ચૂંટણી રદ થવી જોઇએ. હાઇકોર્ટે આ અંગે ચૂંટણી પંચ અને કુંવરજી બાવળિયાને નોટિસ પાઠવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer