ગારિયાધાર પાલિકામાં રોડ સ્વીપર મશીનની ખરીદીમાં ગોટાળો, ઉચ્ચકક્ષાએથી ‘તેડું’ આવ્યું

15મીએ પ્રાદેશિક કમિશનર સમક્ષ હાજર થવા આદેશ
ગારિયાધાર, તા.11: નગરપાલિકા કચેરી દ્વારા ખરીદવામાં આવેલું રોડ સ્વીપર મશીન બાબતે સમીમબેન ફિરોજભાઇ કાસમાણી (ન.પા.સદસ્ય) દ્વારા પ્રાદેશિક  કમિશનરમાં ખરીદીમાં થયેલા ગોટાળાની અરજી સાથે તપાસની માગ કરાઇ હતી. આ બાબતે કમિશનર દ્વારા મગાવવામાં આવેલા પૂર્તતા અહેવાલ ગારિયાધાર નગરપાલિકા દ્વારા રજૂ થતાં જ ક્ષતિઓ બહાર આવી હતી. પ્રાદેશિક કમિશનરે ગારિયાધાર કચેરીને આ બાબતે આગામી તા.15મીએ હાજર થવા હુકમ કર્યો છે.
ગારિયાધાર ન.પા.મહિલા સદસ્ય સમીમબેન ફિરોજભાઇ કાસમાણી 20-3-19ના રોજ પ્રાદેશિક કમિશનર સમક્ષ નગરપાલિકા કચેરી દ્વારા જાહેર માર્ગો પર ધૂળ-કચરા હવાથી સાફ કરવા માટે ‘સ્વીપર’ મશીનની ખરીદીમાં ખોટા બિલો બનાવી ગોટાળા કર્યાની અરજી સાથે તપાસની માગણી કરી હતી. આ બિલ બાબતે પ્રાદેશિક કમિશનર દ્વારા ડેપ્યુટી કલેકટર પાસે આ રોડ સ્વીપર મશીનની ખરાઇ કરાવાઇ હતી આ બાબતે શંકાસ્પદ જણાતા કમિશનર દ્વારા ગારિયાધાર ન.પા.કચેરી પાસે આ રોડ સ્વીપર મશીન પ્રક્રિયાનો સંપૂર્ણ પૂર્તતા અહેવાલ મગાવાયો હતો જે અહેવાલની ચકાસણી કરવામાં આવતા પાલિકાની ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer